ગુજરાતમાં સરકારી યોજનાના નામે સાયબર ગઠિયાઓ સક્રિય, જો જો છેતરાતા નહિ
- લોકોમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમે પણ પ્રયાસો શરુ કર્યા
- પીએમ કિસાન યોજનાનો લાભ આપવાના બહાને લોકોને છેતરપીંડી કરવાનું શરુ
- શહેરીજનોના મોબાઈલ ફોનમાં મેસેજ મોકલીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે
ગુજરાતમાં સરકારી યોજનાના નામે સાયબર ગઠિયાઓ સક્રિય થયા છે. પીએમ કિસાન યોજનાના નામે ગઠિયાઓ છેતરી રહ્યાં છે. તેમાં સાયબર ફ્રોડની ઘટનાઓથી કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક થઇ છે. PM કિસાનની APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવી ફ્રોડ થાય છે. અત્યાર સુધી સાયબર ગઠીયાઓ બેંકના અધિકારી બનીને લોકોને લૂંટતા હતા પરંતુ હવે તો સાયબર ગઠીયાઓએ પીએમ કિસાન યોજનાના નામે લોકોને લૂંટી બેંક એકાઉન્ટ ખાલી કરવાનુ શરુ કર્યુ છે. જેને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમે પણ પ્રયાસો શરુ કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીએ મેડિકલ ઇમરજન્સી વધારી, એક સપ્તાહમાં હિટસ્ટ્રોકના કેસ વધ્યા
પીએમ કિસાન યોજનાનો લાભ આપવાના બહાને લોકોને છેતરપીંડી કરવાનું શરુ
સાયબર ગઠિયાઓની તમામ તરકીબો હવે જગજાહેર થઈ જતા ગઠિયાઓએ હવે પીએમ કિસાન યોજનાનો લાભ આપવાના બહાને લોકોને છેતરપીંડી કરવાનું શરુ કર્યુ છે જેમાં આવા ગઠિયાઓ દ્વારા શહેરીજનોને એક મેસેજ મોકલવામાં આવે છે જેમાં દરમહિને ખાતામાં ચોક્કસ રકમ જમા થવાની લાલચ આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે પીએસ કિસાન યોજનાની એપીકે ફાઈલ મોબાઈલમાં ઈનસ્ટોલ કરાવવામાં આવે છે. જેનાથી ફોનના તમામ એક્સેસ ગઠિયાઓ પાસે જતુ રહે છે અને તમારા બેન્ક એકાઉન્ટમાં રહેલા રુપિયા ખાલી થઈ જશે.
શહેરીજનોના મોબાઈલ ફોનમાં મેસેજ મોકલીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે
આવા ફ્રોડની ઘટના ન માત્ર ગુજરાતમાં પણ સમગ્ર દેશભરમાં થઈ રહી હોવાનું કેન્દ્રીય એજન્સીઓને ધ્યાને આવ્યુ છે જેને રોકવા માટેનો ટાસ્ક હવે અલગ અલગ રાજ્યની પોલીસને સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે સાયબરક્રાઈમ દ્વારા શહેરીજનોમાં જાગૃતિ લાવવા માટે સોશિયલ મિડિયામાં પોસ્ટ વાઈરલ કરી તેમજ શહેરીજનોના મોબાઈલ ફોનમાં મેસેજ મોકલીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સાયબર ગઠિયાઓ આ ટ્રીકનો ઉપયોગ ખેડૂતોને પોતાનો શિકાર બનાવવા માટે કરતા હોય છે કારણ કે મોટાભાગના ખેડૂતો આ યોજનાના લાભાર્થી છે અને આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહેલા ખેડૂતો આવી લોભામણી લાલચોમાં આવીને રુપિયા ગુમાવતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ગુજરાતના ખેડૂતોને આવી લોભામણી લાલચમાં ન આવે અને સાયબર ફ્રોડ બાબતે જાગૃતિ આવે તેવા પ્રયાસ શરુ કર્યા છે.