ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉજ્જૈનની ‘વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ’ પર સાયબર એટેક, PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

Text To Speech
  • વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ પર સાયબર હુમલા થતાં તેની ગતિ ધીમી પડી ગઈ

ઉજ્જૈન, 9 માર્ચ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થાપિત પંચાંગ પર આધારિત વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ સાયબર હુમલાના કારણે ધીમી પડી ગઈ છે. આ ઘડિયાળ જીવાજીરાવ વૈદ્યશાળા પાસે જંતર-મંતર ખાતે 85 ફૂટ ઊંચા ટાવર પર સ્થાપિત છે. જીવાજીરાવ વૈદ્યશાળાની દેખરેખ રાખતી મહારાજા વિક્રમાદિત્ય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર શ્રીરામ તિવારીએ જણાવ્યું હતું કે, “ગુરુવારે રાત્રે વોચની એપ પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો. હુમલા પછી ઘડિયાળની ગતિ ધીમી પડી ગઈ છે. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સપ્તાહ પહેલા જ 29 ફેબ્રુઆરીએ ડિજિટલ માધ્યમ દ્વારા તેનું ઉદ્ઘાટન કર્યું હતું. વૈદિક ઘડિયાળ એપ પર સાયબર હુમલા બાદ લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી.

વૈદિક ઘડિયાળ પર DDoS હુમલો

આ વૈદિક ઘડિયાળ બનાવનાર આરોહ શ્રીવાસ્તવ કહે છે કે, “આ હુમલાને ટેક્નિકલ ભાષામાં DDoS હુમલો કહેવાય છે. જેના કારણે વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળની સર્વર પ્રક્રિયા ધીમી પડી રહી છે અને સામાન્ય લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ સાયબર હુમલાને કારણે જે પણ ડેટા ડેમેજ થયો છે તેને પુનઃપ્રાપ્ત કરવાના પ્રયાસોમાં અમે રોકાયેલા છીએ.”

વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ અનોખી છે

આરોહના જણાવ્યા અનુસાર, તે ઇન્ટરનેટ અને જીપીએસ સાથે જોડાયેલી હોવાને કારણે તેનો દુનિયામાં ગમે ત્યાં ઉપયોગ કરી શકાય છે. આ વિશ્વની પ્રથમ ડિજિટલ વૈદિક ઘડિયાળ છે જે ભારતીય માનક સમયમાં ભારતીય પંચાંગ અને મુહૂર્ત વિશે માહિતી આપે છે. તેને મોબાઈલ અને ટીવી પર પણ સેટ કરી શકાય છે. તેમણે જણાવ્યું કે, વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળની એપ હિન્દી, અંગ્રેજી અને અન્ય ભારતીય અને વિદેશી ભાષાઓમાં તૈયાર કરવામાં આવી રહી છે.

વૈદિક ઘડિયાળ સલામત છે, વધારે નુકસાન નથી કરતું: ડાયરેક્ટર

મહારાજા વિક્રમાદિત્ય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર રામ તિવારીએ કહ્યું હતું કે, વૈદિક ઘડિયાળ સુરક્ષિત છે. આ સાયબર હુમલો ઘડિયાળના લોકલ સર્વર પર થયો હતો, તેથી કોઈ સમસ્યા નથી. વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે જ્યારે વેબસાઇટ ખોલવામાં આવી ત્યારે તેના પ્રોગ્રામ્સ ગાયબ થઈ ગયા હતા, પરંતુ તકનીકી ટીમ તેનો ડેટા બચાવવામાં સફળ રહી હતી. ઘડિયાળની એપ આજે મહાશિવરાત્રી પર લોન્ચ થવાની હતી, પરંતુ આ સાયબર એટેકને કારણે આ કામમાં એક મહિનાનો વિલંબ થયો છે, હવે કદાચ ગુડી પડવા પર લોન્ચ કરવામાં આવશે.

મુખ્યમંત્રી મોહન યાદવે 2022માં ઘડિયાળનો પાયો નાખ્યો હતો

વૈદિક ઘડિયાળ એપ પર સાયબર હુમલા બાદ લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ ઘડિયાળ આરોહ નામની સંસ્થા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને 29 ફેબ્રુઆરીએ ડિજિટલ માધ્યમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2022માં જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ઉચ્ચ શિક્ષણ મંત્રી હતા ત્યારે તેમણે 22 માર્ચ 2022ના રોજ આ વૈદિક ઘડિયાળના 85 ફૂટના ટાવરનો પાયો નાખ્યો હતો.

આ પણ જુઓ: PM મોદી ધોલેરામાં ટાટાના સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે

Back to top button