ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોવિશિલ્ડ રસીની આડ અસરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, વળતરની કરાઈ માંગ

નવી દિલ્હી, 01 મે 2024: કોરોના સામે રક્ષણ આપવા માટે અપાયેલી કોવિશિલ્ડ વેક્સિનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વિશાલ તિવારી નામના વ્યક્તિએ કોવિશિલ્ડ વેક્સિનને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વ્યવસાયે વકીલ વિશાલ તિવારીએ તેમની અરજીમાં કોવિશિલ્ડ રસીની આડ અસરો અને જોખમોની તપાસ કરવા માટે ભૂતપૂર્વ ડિરેક્ટરની અધ્યક્ષતામાં તબીબી નિષ્ણાત પેનલની રચના કરવાની માંગ કરી છે. સાથે જ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બધું સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખમાં થવું જોઈએ. આ અરજીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે. કોરોના રસીકરણ અભિયાન દરમિયાન ગંભીર રીતે અસરગ્રસ્ત લોકોને વળતર આપવામાં આવે.

અરજીમાં અસરગ્રસ્ત લોકોને આર્થિક મદદની માંગ

આ અરજીમાં યુકેની કોર્ટમાં બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાની કબૂલાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, કંપનીએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેમની રસી દુર્લભ કિસ્સાઓમાં આડઅસર કરી શકે છે. આ વેક્સિન લોહીમાં પ્લેટલેટ્સ ઘટાડવા અને લોહીના ગંઠાઈ જવા માટે કારણભૂત સાબિત થઈ શકે છે. જો કે, ભારતમાં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટને એસ્ટ્રાઝેનેકા દ્વારા આ રસી બનાવવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું.

વિશાલ તિવારીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે ભારતમાં લોકોને આ રસીના લગભગ 175 કરોડ ડોઝ અપાયા છે. કોવિડ-19 પછી હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. યુવાનોમાં પણ હાર્ટ એટેકના ઘણા કેસ જોવા મળ્યા છે. હવે, કોવિશિલ્ડના ઉત્પાદક બ્રિટીશ ફાર્મા એસ્ટ્રાઝેનેકાએ યુકે કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની કોવિડ રસીની દુર્લભ આડઅસર થઈ શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ બાબતે તાત્કાલિક પગલાં લે તે જરૂરી બની જાય છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે યુકે સહિતના કેટલાક દેશોમાં જો આ રસીથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તો સરકાર તરફથી આર્થિક મદદ આપવાની જોગવાઈ છે.

શું છે સમગ્ર મામલો?

બ્રિટનના જેમી સ્કૉટ નામના શખ્સે એસ્ટ્રાઝેનેકા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સ્કૉટનો દાવો છે કે, કંપનીની કોરોના વેક્સિનના લીધે તે થ્રોમ્બોસાઇડોપેનિયા સિન્ડ્રોમની સમસ્યા સામે લડી રહ્યું છે. તે બ્રેન ડેમેજનો શિકાર બની ગયો છે. કંપનીની કોરોના વેક્સિન સામે એક ડઝનથી વધુ લોકો કોર્ટમાં ગયા છે. આ લોકોનો આરોપ છે કે રસી લીધા પછી તેમને આડઅસરનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત, વળતરની પણ માંગ કરી છે. એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં દાખલ કરેલા કાયદાકીય દસ્તાવેજમાં કહ્યું છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી વિકસિત કોરોના રસીની આડઅસર થઈ શકે છે. આ આડઅસરો થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ જેવી હોઈ શકે છે. પરંતુ આ ખૂબ જ દુર્લભ છે. આ ખુલાસા બાદ ભારત સહિત દુનિયાભરમાં કોવિશિલ્ડ વેક્સિનને લઈને ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: કોવિશિલ્ડ વેક્સીનથી ચિંતત છો? તો જાણો શું કહે છે ભારતીય ડૉક્ટરો?

Back to top button