મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેશે સારી વૃદ્ધિ હાંસલ કરી, એપ્રિલમાં PMI 58.8 રહ્યો
મુંબઈ, 02 મે 2024: ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર લાંબા સમયથી સારી વૃદ્ધિ હાંસલ કરી રહ્યું છે અને એપ્રિલમાં તે થોડી ધીમી ગતિએ વધ્યું હતું પરંતુ તેનું પ્રદર્શન સારું રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) માર્ચમાં 59.1થી ઘટીને એપ્રિલમાં 58.8 થયો હતો. મેન્યુફેક્ચરિંગ PMI માર્ચમાં 16 વર્ષમાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ એપ્રિલનો આંકડો આના કરતા થોડો ઓછો હતો. મહત્ત્વનું છે કે, PMI હેઠળ 50થી ઉપરનો ઇન્ડેક્સ એટલે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વધારો, જ્યારે 50થી નીચેનો આંકડો ઘટાડો સૂચવે છે. કુલ નવા કોન્ટ્રાક્ટમાં નોંધપાત્ર વધારો થયો છે અને વિસ્તરણની ગતિ 2021ની શરૂઆતથી બીજા ક્રમની સૌથી મજબૂત હતી.
મજબૂત માંગને લીધે ઉત્પાદનમાં વધારો નોંધાયો
HSBCના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે મજબૂત માંગને કારણે ઉત્પાદનમાં વધુ વધારો જોવા મળ્યો હતો. જોકે, માર્ચની સરખામણીમાં આ વધારો થોડો ધીમો રહ્યો છે. પ્રાંજુલ ભંડારીએ કહ્યું કે, જો આપણે કિંમતો વિશે વાત કરીએ તો કાચા માલ અને મજૂરીની ઊંચી કિંમતને કારણે કાચા માલની કિંમતમાં થોડો વધારો થયો છે, પરંતુ ફુગાવાનો દર ઐતિહાસિક સરેરાશથી નીચે રહ્યો છે. જો કે, તેમણે કહ્યું કે પ્રોડક્શન ડ્યૂટી વધારીને કંપનીઓએ આ વધારાનો બોજ ગ્રાહકો પર નાખ્યો, કારણ કે માંગ મજબૂત રહી જેના કારણે નફામાં સુધારો થયો છે.
દેશમાં જોરદાર માંગ જોવા મળી રહી
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય મેન્યુફેક્ચર્સ્ એપ્રિલમાં સ્થાનિક અને બાહ્ય ગ્રાહકો પાસેથી તેમના માલની મજબૂત ડિમાન્ડની જાણકારી આપી હતી. કુલ નવા કોન્ટ્રાક્ટમાં ઝડપથી વધારો થયો છે અને એક્સપેન્શનની ગતિ 2021ની શરૂઆતથી બીજા ક્રમની સૌથી મજબૂત બની રહી. આ સિવાય એપ્રિલમાં નવા નિકાસ કરારોમાં નોંધપાત્ર વધારો થયો હતો. જો કે, કુલ વેચાણની સરખામણીમાં આ વૃદ્ધિ ધીમી હતી, જેના પરિણામે આ વૃદ્ધિ પાછળ સ્થાનિક બજાર મુખ્ય ચાલક રહ્યું છે. મટિરિયલ અને લેબર કૉસ્ટમાં વધારો થવાના અહેવાલો વચ્ચે, ભારતીય ઉત્પાદકોએ પણ એપ્રિલમાં તેમના વેચાણ ભાવમાં વધારો કર્યો છે.
આ પણ વાંચો:ભારતના મસાલાઓથી ડરી ગયું વિશ્વ બજાર, 45 હજાર કરોડના કારોબાર ઉપર જોખમ