ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટ્રક ચાલકોની હડતાળને પગલે પેટ્રોલ અને આવશ્યક વસ્તુઓનો પુરવઠો ખોરવાવાનું જોખમ

નવી દિલ્હી, 02 જાન્યુઆરી: કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદા સામે ટ્રક, ડમ્પર અને બસના ચાલકો રસ્તા પર ઉતર્યા છે. શાકભાજી, પેટ્રોલ અને ડીઝલ જેવી પાયાની ચીજવસ્તુઓની સપ્લાય કરતી પરિવહન સેવાઓ પણ ઠપ પડી છે. જેના કારણે લોકોને પુરવઠો ન મળતા હાલાકી ભોગવવી પડી રહી છે. પેટ્રોલ અને ડીઝલના પુરવઠામાં વિક્ષેપને કારણે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા પેટ્રોલ પંપ પર ઇંધણ સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારબાદ પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનો પર રિફ્યુઅલિંગ માટે વાહનોની કતારો લાગી રહી છે. જો કે, આમ હજુ ચાલ્યું તો પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે છે. બીજી તરફ, કેટલાક રાજ્યોમાં સ્થિતિ વધુ વણસી રહી છે.

ઉત્તર પ્રદેશ: મૈનપુરીમાં ટ્રક ડ્રાઈવરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં કરહાલ સૈફાઈ બાયપાસ પર ટ્રક ડ્રાઈવરોએ વિરોધ કર્યો અને રસ્તો બ્લોક કરી નાખ્યો હતો. વાહન ચાલકોએ રોડ બ્લોક કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ડઝનબંધ ટ્રકો રોકીને ડ્રાઇવરોએ પ્રદર્શન કર્યું હતું. આ પછી જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને જામ હટાવવાનો પ્રયાસ કર્યો તો ટ્રક ચાલકો હિંસક બની ગયા હતા. ટ્રક ચાલકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારો પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

મધ્યપ્રદેશઃ પેટ્રોલ પંપ સુધી ઈંધણ ન પહોંચતા સ્થાનિકો પરેશાન

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પેટ્રોલ પંપ પર પણ પડી હતી. પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રક ચાલકોની આ હડતાલ ત્રણ દિવસ સુધી ચાલી શકે છે. જેના કારણે પેટ્રોલ પંપ સુધી ઈંધણ પહોંચી શકશે નહીં. બીજી તરફ, દેવાસ જિલ્લામાં બસ અને ટ્રક ચાલકોનો રોષે ભરાયા હતા. તેઓએ શહેરમાં 2-3 સ્થળોએ રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. પન્ના જિલ્લામાં બસ અને ટ્રક ડ્રાઈવરોએ નેશનલ હાઈવે-39 બ્લોક કરી દીધો હતો. તેઓએ ‘કાળો કાયદો પાછો લો’ના નારા પણ લગાવ્યા હતા.

રાજસ્થાન: ટ્રક ચાલકો કલેક્ટર કચેરી પહોંચી ચેતવણી આપી

હિટ એન્ડ રન કાયદા વિરુદ્ધ રાજસ્થાનમાં પણ દેખાવો જોવા મળ્યા હતા. હનુમાનગઢ જિલ્લામાં ટ્રક અને બસના ડ્રાઇવરો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ હાઈવે બ્લોક કરીને આ કાયદાનો વિરોધ કર્યો હતો. આ પછી ડ્રાઈવર જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યો, જ્યાં તેણે સરકાર અને પ્રશાસનને કડક ચેતવણી પણ આપી.

મહારાષ્ટ્ર: નાગપુરમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી

નાગપુર-ભંડારા હાઈવે પર ગઈકાલથી ટ્રક ચાલકોએ પ્રદર્શન કરતા ચક્કાજામ થયો હતો. પેટ્રોલ પુરવઠો ખોરવાશે એ અફવાના કારણે પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી. લોકો એકબીજાને જોઈને કે પેટ્રોલ પંપ પર ભીડ જોઈને પેટ્રોલ પંપ પર આવવા લાગ્યા. જેના કારણે શહેરના દરેક પેટ્રોલ પંપ પર ભારે ભીડ સર્જાઈ હતી. બીજી તરફ, ટ્રક ચાલકોના પ્રદર્શનના કારણે શહેરમાં માર્ગો પર તણાવનું વાતાવરણ સર્જાયું હતું.

જમ્મુ અને કાશ્મીર: 1500 ટેન્કરો હડતાળ પર, 90% પંપ ખાલી

જમ્મુ અને કાશ્મીર પંપ ઓનર્સ યુનિયને જણાવ્યું હતું કે જમ્મુમાં 90% પેટ્રોલ પંપ ખાલી થઈ ગયા છે અને કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખમાં બળતણ લઈ જતા 1,500 ટેન્કરો હડતાળ પર હોવાથી આગામી થોડા કલાકોમાં સમગ્ર સ્ટોક ખતમ થઈ જશે. જ્યારે ઓલ J&K પેટ્રોલ ટેન્કર ઓનર્સ એસોસિએશનનું કહેવું છે કે, હડતાળ ચાલુ રહેશે જ્યાં સુધી નવા કાયદાને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ડ્રાઇવરો કામ પર પાછા નહીં ફરે.

પંજાબઃ કેટલાક  પેટ્રોલ પંપમાં એક દિવસનું તેલ બાકી

ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પંજાબમાં દેખાવા લાગી છે. રાજ્યના 4100 પંપમાંથી 30% પંપ ગઈકાલે રાત્રે જ ખાલી હતા. ઘણા પેટ્રોલ પંપ પર માત્ર એક દિવસનું તેલ બચ્યું છે, જે આજે સાંજ સુધીમાં વેચાઈ જશે. હડતાળથી આવશ્યક સેવાઓને અસર ન થાય તે માટે સરકાર અને ઓઈલ કંપનીઓ હડતાળ પર બેઠેલા ઓપરેટરો સાથે વાત કરી રહી છે.

હિમાચલઃ ધર્મશાલામાં પેટ્રોલ પંપની બહાર લોકોની લાંબી લાઈનો

 

જોકે, મોટા ટ્રાન્સપોર્ટ એસોસિએશનો હજુ સુધી હડતાળમાં જોડાયા નથી. દેશના વિવિધ ભાગોના પરિવહન સંગઠનોના લોકો આ મુદ્દાને લઈને ઓનલાઈન મીટિંગ કરશે. આ પછી, દિલ્હી ચેમ્સફોર્ડ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સમાં નિર્ણય વિશે માહિતી આપવામાં આવશે. હાલ હડતાળને લઈને તમામ સંગઠનોમાં કોઈ સહમતિ નથી. ઓલ ઈન્ડિયા મોટર એન્ડ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઈઝેશને હાલ હડતાળ કરવાનું ટાળ્યું છે. જો કે આ સંગઠન પણ બેઠકમાં ભાગ લેશે.

આ પણ વાંચો: હિટ એન્ડ રનના કાયદા વિરુદ્ધ ટ્રક-બસ ચાલકો હડતાલ પર ઉતર્યા, પાછો ખેંચવાની માંગ

Back to top button