IPL-2024વિશેષસ્પોર્ટસ

સાતત્ય જેણે નક્કી કર્યું કે IPL 2024ની ચેમ્પિયન ટીમ KKR બનશે SRH નહીં

27 મે, ચેન્નાઈ: IPL એ બહુ લાંબી ટુર્નામેન્ટ છે જે લગભગ આઠ અઠવાડિયા એટલેકે બે મહિના ચાલે છે. આવામાં સાતત્ય જાળવીને જ કોઈ ટીમ ચેમ્પિયન બની શકે છે. આ જ સાતત્યપૂર્ણ દેખાવે નક્કી કરી દીધું છે IPL 2024ની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ બનશે નહીં કે સન રાઈઝર્સ હૈદરાબાદ.

KKR અને SRH બંનેની શરુઆત આ IPL 2024માં જોરદાર રહી હતી. બલકે એમ કહી શકાય કે આ બંને ટીમોની બેટિંગે T20 કેવી રીતે રમાય તેના નવા નિયમો નક્કી કરી દીધા છે. પહેલા જ બોલથી આક્રમક બેટિંગ શરુ કરવી જે છેક છેલ્લે સુધી ચાલુ રાખવી, ભલે પછી એક છેડે વિકેટો પડતી રહે.

ટૂંકમાં કહીએ કે KKR અને SRHની નીડર (fearless) બેટિંગે જ આ બંને ટીમોને ફાઈનલ રમવા માટેની યોગ્યતા પ્રદાન કરી દીધી હતી. એક તરફ કોલકાતા નાઈટ રાઈડર્સના ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણ અને બીજી તરફ સન રાઈઝર્સ હૈદરાબાદના ટ્રેવીસ હેડ અને અભિષેક શર્મા. જ્યારે આ ઓપનર્સ રમવા ઉતરતા ત્યારે સામેવાળી ટીમના પગ રીતસર કાંપતા.

અરે! આ બંને જોડીઓથી પ્રેરણા લઈને ઘણી ટીમોએ પોતાની ઓપનીંગ જોડીઓમાં ફેરફાર કર્યો અને તેમણે પણ આ જ રીએ આક્રમતા અપનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પેલું કહે છે ને કે કોપી ક્યારેય ઓરીજીનલને હરાવી નથી શકતી આમ અન્ય ટીમોએ પ્રયાસ તો કર્યા પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા.

સન રાઈઝર્સ હૈદરબાદે તો મુંબઈ ઇન્ડિયન્સ સામે આજ IPLમાં કોઇપણ T20 મેચનો હાઇએસ્ટ સ્કોર આ જ આક્રમક ક્રિકેટ રમીને બનાવ્યો હતો. તો કોલકાતા પણ પાછળ રહ્યું ન હતું, તેણે પણ રાજસ્થાન રોયલ્સ સામે પોતાના જ ઘરમાં રનોનો મોટો પહાડ ઉભો કરી દીધો હતો, જોકે એ મેચ તેઓ હારી ગયા હતા.

પરંતુ કોલકાતાએ પોતાની આ રણનીતિનું સાતત્ય જાળવી રાખ્યું હતું અને એ IPL 2024 પ્લેઓફ્સમાં પણ. જ્યારે હૈદરાબાદ પોતાના હોમગ્રાઉન્ડ પર તો આક્રમકતાથી રમીને જીતતું રહ્યું પરંતુ જ્યારે તે બીજી ટીમના ઘરમાં રમવા જતી ત્યારે તે આ જ આક્રમકતા દેખાડી નહોતી શકતી.

આ જ વાત બની પ્લેઓફ્સમાં પહેલા ક્વોલિફાયરમાં અમદાવાદ ખાતે હૈદરબાદે જે દેખાવ કર્યો એ જ દેખાવ તેણે ગઈકાલે ફાઈનલમાં પણ રીપીટ કર્યો. એટલેકે આક્રમકતાથી બેટિંગ કરવા જતા સતત વિકેટો ગુમાવી દેવી. અમદાવાદમાં તો તોપણ ટીમે 160 રન્સનો ટાર્ગેટ કોલકાતાને આપ્યો હતો પરંતુ ગઈકાલે તો તેઓ 120 રન્સ પણ કરી ન શક્યા.

આમ એ વાત ફરીથી સાબિત થઇ ગઈ હતી કે ક્રિકેટ હોય કે કોઇપણ અન્ય રમત હોય સાતત્યપૂર્ણ દેખાવ જ તમને શિખર ઉપર લઇ જઈ શકે છે અને એટલેજ IPL 2024ની ચેમ્પિયન ટીમ KKR બની છે SRH નહીં.

Back to top button