IPL-2024વિશેષસ્પોર્ટસ

પહેલા સ્ટાર્ક પછી ઐય્યર અને ઐય્યરે SRHની ખબર લઇ નાખી!

22 મે, અમદાવાદ: અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની IPL 2024 Playoffsની પ્રથમ ક્વોલિફાયરમાં કોલકાતાએ માઈકલ સ્ટાર્ક, કેપ્ટન શ્રેયસ ઐય્યર અને વેંકટેશ ઐય્યરની મદદથી હૈદરાબાદને રગદોળી નાખ્યું હતું અને સીધો ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

હૈદરાબાદે ટોસ જીતીને પહેલી બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. કાયમ પોતાના વિસ્ફોટક ઓપનીંગ બેટ્સમેનોની મદદથી એક જબરદસ્ત શરૂઆત મેળવતી હૈદરાબાદની ટીમને મેચના બીજા જ બોલે ત્યારે ઝટકો લાગ્યો હતો જ્યારે ટ્રેવિસ હેડ માઈકલ સ્ટાર્ક દ્વારા ક્લીન બોલ્ડ થઇ ગયો હતો. હેડની તુરંત બાદ અભિષેક શર્મા પણ વૈભવ અરોરાની બોલિંગમાં આઉટ થઇ ગયો હતો. સ્ટાર્કની પહેલી ત્રણ ઓવરમાં તેણે ત્રણ વિકેટો લઈને હૈદરાબાદની બેટિંગ લાઈનઅપની કમર તોડી નાખી હતી.

રાહુલ ત્રિપાઠી અને હેનરિક ક્લાસેને ઇનિંગને થોડી રીપેર કરવાની કોશિશ કરી હતી પરંતુ ક્લાસેનના ડીપમાં રીંકુ સિંઘ દ્વારા કેચ આઉટ થવાથી અને ત્રિપાઠી અને સમદ વચ્ચે થયેલી ગડબડને કારણે ત્રિપાઠી કસમયે રન આઉટ થઇ ગયો હતો જેને લીધે હૈદરાબાદની અંતિમ આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. છેવટે કેપ્ટન પેટ કમિન્સે થોડા રન જોડીને હૈદરાબાદને 159 રનનો લડાયક સ્કોર આપવામાં મદદ કરી હતી.

જવાબમાં કોલકાતાએ જબરદસ્ત શરૂઆત કરી હતી. ફિલ સોલ્ટની જગ્યા લેનાર ગુરબાઝે તેની ગેરહાજરી સાલવા દીધી ન હતી અને ટીમને એક મજબૂત શરૂઆત આપવામાં મદદ કરી હતી. પરંતુ તેના અને સુનીલ નારાયણના આઉટ થયા બાદ કેપ્ટન શ્રેયસ ઐયર અને વેંકટેશ ઐયરની જોડીએ ટીમને જીતવામાં કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતા વધુ કોઈ વિકેટ ગુમાવ્યા વગર ટાર્ગેટ એચીવ કરી લીધો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સે ફક્ત 13.4 ઓવરોમાં જ 164 રન ઝૂડી નાખ્યા હતા જે દર્શાવે છે કે સન રાઈઝર્સ હૈદરાબાદના બોલર્સ આ બેટિંગ સામે કેટલા લાચાર હતા. આમ સ્ટાર્ક અને બંને ઐય્યરોની મદદથી કોલકાતાને ભવ્ય વિજય મળ્યો હતો.

હવે કોલકાતા નાઈટ રાઈડર્સ નિયમ અનુસાર સીધા ફાઈનલમાં પહોંચી ગયા છે. જ્યારે સન રાઈઝર્સ હૈદરાબાદ હવે શુક્રવારે ચેન્નાઈ ખાતે બીજા ક્વોલિફાયરમાં રમશે.

આ ક્વોલિફાયરમાં હૈદરાબાદ સામે રમનારી ટીમનો નિર્ણય આજે અમદાવાદમાં જ રમાનારા એલીમીનેટરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બાદ થશે. આ મેચ જીતનારી ટીમ શુક્રવારે ચેન્નાઈના ચેપોકમાં હૈદરાબાદ સામે ટકરાશે અને તે મેચ જીતનારી ટીમ કોલકાતા સામે રવિવારે IPL 2024ની ફાઈનલ રમશે.

Back to top button