કોંગ્રેસમાં મોટું ગાબડું: ભાભરમાં 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

Gujarat Politics: બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ભાભર શહેર અને તાલુકામાં કોંગ્રેસના આશરે 100થી વધુ કાર્યકર્તાઓએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આ ઘટના કોંગ્રેસના સ્થાનિક નેતાઓથી નારાજગીને કારણે બની હોવાનું કહેવાય છે.
ભાભર શહેરમાં ફોર્ચ્યુન હોટલ ખાતે યોજાયેલી ભાજપની મહત્વની બેઠકમાં આ જોડાણ પ્રક્રિયા પૂર્ણ થઈ. ભાભર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકમસિંહ રાઠોડ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વશરામજી ઠાકોર સહિત અનેક દિગ્ગજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સામેલ થયા. કાર્યકર્તાઓએ ભાજપની વિકાસલક્ષી નીતિઓમાં વિશ્વાસ દર્શાવતાં પાર્ટી બદલી હોવાનું કહેવાય છે.
ભાજપના જિલ્લા પ્રમુખ નરેશજી ઠાકોર, મહામંત્રી ઉમેદદાન ગઢવી, વાવ-થરાદ જિલ્લા પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોર અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે નવા જોડાયેલા કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા. મંત્રી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, “ભાજપની વિકાસલક્ષી નીતિઓમાં વિશ્વાસ મૂકીને આ કાર્યકર્તાઓ જોડાયા છે, જે આગામી ચૂંટણીઓમાં પક્ષને વધુ મજબૂત બનાવશે.”
આ ઘટના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના દૃષ્ટિકોણથી મહત્વની માનવામાં આવે છે. ભાભર નગરપાલિકાની 24 બેઠકો પર ભાજપનો વિજય સુનિશ્ચિત કરવા કાર્યકર્તાઓએ મક્કમતા દર્શાવી છે. આ સાથે કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે અને વાવ-થરાદ વિસ્તારમાં ભાજપનું પલ્લું વધુ મજબૂત થયું છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે, વડોદરામાં આદિવાસી અધિકાર સંમેલનમાં હાજરી આપશે












