ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિધાનસભા સત્ર પહેલાં કોંગ્રેસના નેતાઓએ મનરેગા કૌભાંડ મુદ્દે કર્યા દેખાવો, મંત્રીના રાજીનામાની માંગ

ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2025: ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆત પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA)માં થયેલા કથિત કૌભાંડના મુદ્દે ગાંધીનગર ખાતે વિધાનસભાના પગથિયાં પાસે દેખાવો કર્યા. કોંગ્રેસના નેતાઓએ પોસ્ટરો અને બેનરો સાથે આ કૌભાંડમાં સામેલ રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ કરી. આ દેખાવો દરમિયાન કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ રૂ. 71 કરોડનું કૌભાંડ થયું છે, જેમાં મંત્રીના પુત્રો બળવંતસિંહ અને કિરણ ખાબડની સંડોવણી છે.

રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે કડક શબ્દોમાં સરકાર પર આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે મંત્રીના પુત્રો દ્વારા બોગસ વર્ક ઓર્ડર અને ખોટા દસ્તાવેજો દ્વારા મનરેગા ફંડનો દુરુપયોગ કરવામાં આવ્યો, જે ગરીબ ગ્રામીણ મજૂરોના હકનું નાણું છે. ગોહિલે માંગ કરી કે આ મામલે કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસ થવી જોઈએ અને મંત્રીને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે

આ ઉપરાંત, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર હેઠળ દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળના પ્રોજેક્ટ્સમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. તેમણે જણાવ્યું કે ઘણા પ્રોજેક્ટ્સ જમીન પર અમલમાં આવ્યા જ નથી, પરંતુ તેના બિલ ચૂકવાઈ ગયા છે. ચાવડાએ આ મામલે SIT તપાસની માંગ કરી અને દાવો કર્યો કે સરકારની તપાસ માત્ર આંખમીચામણું છે.

આ દેખાવો દરમિયાન વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ “મનરેગા કૌભાંડના ગુનેગારોને સજા કરો” અને “બચુભાઈ ખાબડ રાજીનામું આપો” જેવા નારા લગાવ્યા. આ ઘટનાએ રાજ્યના રાજકીય વાતાવરણને ગરમાવ્યું છે, કારણ કે વિધાનસભા સત્ર દરમિયાન આ મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય બની શકે છે.

આ પણ વાંચો:ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનો કહેર: સુઈગામમાં 16.14 ઇંચ તો ભાભરમાં 12.91 ઈંચ વરસાદ, ચારે બાજુ પાણી જ પાણી

Back to top button