ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM યોગીએ પ્રિયંકા ગાંધી પર સાધ્યું નિશાન, કહ્યું: તેઓ પેલેસ્ટાઈન બેગ લઈને ફરે છે અને આપણે…’

  • CM યોગીના પ્રિયંકા ગાંધી પરના નિવેદનની અસદુદ્દીન ઓવૈસીએ નિંદા કરી  

લખનઉ, 17 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મંગળવારે વિધાનસભામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ લીધા વગર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના એક સાંસદ પેલેસ્ટાઈન બેગ લઈને ફરે છે. જ્યારે આપણે UPના યુવાનોને રોજગાર માટે ઈઝરાયેલ મોકલી રહ્યા છીએ. અત્યાર સુધીમાં UPના 5600થી વધુ યુવાનો બાંધકામના કામ માટે ઈઝરાયેલ ગયા છે. જ્યાં તેમને મફત રહેવાની સગવડ અને મહિને 1.5 લાખ રૂપિયાનો પગાર મળી રહ્યો છે.

 

CMએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું

ગૃહને સંબોધિત કરતી વખતે CM યોગીએ કહ્યું કે, સોમવારે કોંગ્રેસના નેતા પેલેસ્ટાઈન બેગ લઈને સંસદમાં ફરતા હતા અને આપણે UPના યુવાનોને નોકરી માટે ઈઝરાયેલ મોકલી રહ્યા છીએ. સીએમએ કહ્યું કે, તેઓ ઈઝરાયેલના રાજદૂતને મળ્યા હતા. તેમણે કહ્યું કે, અમે UPના યુવાનોને ઈઝરાયલ લઈ જવા માંગીએ છીએ, કારણ કે એ લોકો સારું કામ કરી રહ્યા છે. આવા યુવાનોને આપણે અભિનંદન આપવા જોઈએ, કારણ કે તેઓ રાજ્યના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યા છે.

CM યોગીના નિવેદન વિશે ઓવૈસીએ શું કહ્યું?

અસદુદ્દીન ઓવૈસીએ CM યોગીના આ નિવેદનની આકરી નિંદા કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભારત સરકાર પોતે જ ભારતીયોને ઈઝરાયેલની યાત્રા ન કરવાની સલાહ આપી રહી છે. ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો આ નક્કર પુરાવો છે કે, ગરીબ લોકોને કામ માટે ઇઝરાયેલ જેવા સ્થળોએ જવાની ફરજ પડી રહી છે. જો અહીં રોજગારીની તકો હોત, તો શા માટે કોઈ મજૂર તરીકે કામ કરવા ઇઝરાયેલ જશે?

પ્રિયંકા ગાંધીની હેન્ડબેગ પર શું લખ્યું હતું?

મહત્ત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઈનના લોકો સાથે એકતા વ્યક્ત કરતા ‘પેલેસ્ટાઈન’ લખેલી હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા. તેઓ જે હેન્ડબેગ લઈ આવ્યા હતા, તેના પર અંગ્રેજીમાં ‘Palestine’ લખેલું હતું અને પેલેસ્ટાઈનને લગતા અનેક ચિન્હો પણ હતા. આ મુદ્દે ભાજપ સતત પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે.

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થતા અત્યાચારનો વિરોધ

તે જ સમયે, પ્રિયંકા ગાંધી અને પાર્ટીના અન્ય ઘણા સાંસદોએ આજે મંગળવારે સંસદ સંકુલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સરકાર પાસેથી તેમના માટે ન્યાયની માંગ કરી. આજે પણ પ્રિયંકા ગાંધીના હાથમાં એક બેગ હતી, જેના પર “બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઊભા રહો” લખેલું હતું. પ્રિયંકા ગાંધી અને અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનમાં ‘મકર દ્વાર’ પાસે એકઠા થયા હતા અને ‘કેન્દ્ર સરકારે જવાબ આપવો જોઈએ’ અને ‘અમને ન્યાય જોઈએ છે’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ જૂઓ: પેલેસ્ટાઈન બાદ બાંગ્લાદેશી હિન્દુઓના સમર્થનવાળી બેગ લઈને સંસદ પહોચ્યા પ્રિયંકા ગાંધી

Back to top button