ગુજરાત રાજયમાં ગરમીની મૌસમ સાથે પરીક્ષાની મૌસમ પણ ખીલી રહી છે. આજથી ગુજરાત રાજયમાં પરીક્ષાનો ફીવર છવાશે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષામાં કુલ 16 લાખ અને 50 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા છે. પ્રત્યેક પરીક્ષાર્થી ગેરરીતિમુકત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષાનું સંચાલન માટે એકશન પ્લાન 2023 તૈયાર કરવામાં આવ્યો છે. હાલના સમયમાં શિક્ષણનો વ્યાપમાં વધારો થતાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ નિયમીત રૂપે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યભરમાં કુલ 16 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યા છે.
બોર્ડમાં શેમાં ? કેટલા વિદ્યાર્થીઓ ?
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10માં કુલ 9,56,753 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896 વિદ્યાર્થી નોંધાયા છે. ધો.10-12ની પરીક્ષા આજથી 29 માર્ચ સુધી ચાલનારી છે. જીલ્લા કક્ષાએ વ્યવસ્થાતંત્ર પોતાનું આગવુ આયોજન માટે સફળ સંચાલન માટેનો જીલ્લા કક્ષાનો એકશન પ્લાન તૈયાર કર્યો છે.
શું એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો ?
તમામ કેન્દ્રો ઉપર ગેરરીતિ વગર શાંતિપૂર્ણ અને ભયમુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓની મુશ્કેલી તાત્કાલીક નિરાકરણ માટે તનાવમુકત રીતે પરીક્ષા આપી શકે તે માટે કાઉન્સીલીંગ અને હેલ્પલાઈન અંગેનું જીલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યુ હતું. જીલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પરીક્ષા પૂર્વે સવારે 7થી રાત્રીના 8 કલાક સુધી શરૂ કરવામાં આવ્યા છે. જીલ્લા કક્ષાએ પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જીલ્લા કલેકટર શ્રી, જીલ્લા પોલીસ વડા, શહેર પોલીસ કમિશ્નર, માન્ય સંઘોના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા આચાર્યો – શિક્ષકો તેમજ જીલ્લા શિક્ષણાધિકારીની વરણી કરવામાં આવી છે.