ડોડા, 15 જુલાઈ : જમ્મુ-કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. ડોડાના દેસા ફોરેસ્ટ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ પછી વધારાના દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. એન્કાઉન્ટર શરૂ થયા બાદ ભારતીય સેના અને આતંકવાદીઓ બંને તરફથી ભીષણ ગોળીબાર શરૂ થયો હતો.
ઉલ્લેખનીય છે કે સેનાને ઈનપુટ મળ્યા હતા કે આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. આ પછી, સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરવાનું શરૂ કર્યું અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. થોડીવાર સુધી આતંકવાદીઓ તરફથી ગોળીબાર થતો રહ્યો, ત્યારબાદ આતંકીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ.
ગોળીબાર લગભગ 15 મિનિટ સુધી ચાલ્યો હતો
આજે સાંજે સુરક્ષાદળોને આતંકીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સફળતા મળી હતી. લગભગ 15 મિનિટ સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. હવે ગોળીબાર બંધ થઈ ગયો છે.વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓનું એક જૂથ છુપાયેલું છે. આ વિસ્તારમાં સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
જૂનમાં પણ હુમલો થયો હતો
મહત્વનું છે કે, ડોડા જિલ્લામાં 11 જૂને સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો હતો. 11 જૂનની રાત્રે ડોડાના ચતર ગલ્લાના ઉપરના વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો અને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ઘાયલ થયા હતા. જે બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.