ભારતીય સૈન્ય પાસે રહેલ શસ્ત્ર-સરંજામથી વાકેફ થઇ નાગરિકો રાષ્ટ્ર પ્રત્યે ગૌરવની લાગણી અનુભવશે: એર માર્શલ વિક્રમસિંહ
પાલનપુર: 93 BN BSF દ્વારા 12 અને 13 ઓક્ટોબર 2022 દરમિયાન નિરમા યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “અમારા દળોને જાણો” થીમ સાથે બે દિવસીય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને એર માર્શલ વિક્રમ સિંહ (AVSM, VSM) સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પ્રદર્શનને અમદાવાદવાસીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓએ કુતૂહલતાપૂર્વક નિહાળ્યું હતું.
અમદાવાદમાં “અમારા દળોને જાણો” થીમ સાથે બે દિવસીય શસ્ત્ર પ્રદર્શન
નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થાય એ હેતુસર યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન કરતાં એર માર્શલ વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનથી દેશના યુવાનો અને આમ નાગરિકો ભારતીય સૈન્ય પાસે રહેલ શસ્ત્ર-સરંજામથી વાકેફ થઇ રાષ્ટ્ર પ્રત્યે ગૌરવની લાગણી અનુભવશે. આ શસ્ત્ર પ્રદર્શનમાં BSF એ કંપની, પ્લાટૂન સ્તરના શસ્ત્રો, સહાયક શસ્ત્રો અને ખાસ સાધનો પ્રદર્શિત કર્યા છે. ભારતીય અને વિદેશી હથિયારો જેવા કે નાની મોટી રાઈફલ, મશીન ગન, મોટર હેન્ડ ગ્રેનેડ, મેટલ ડિટેક્ટર સહિતના અદ્યતન અને આધુનિક શસ્ત્રો જે હાલમાં BSF માં ઉપયોગમાં લેવાય છે એ શસ્ત્રો પ્રદર્શનમાં મુકાયાં છે. પ્રદર્શનની મુલાકાતે આવનાર દરેક વ્યક્તિને બી.એસ.એફના જવાનો દ્વારા હથિયારો અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. તો કેટલાક હથિયારો અંગે બી.એસ.એફ.ના જવાનો દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન યોજી મુલાકાતીઓને હથિયાર અંગેનું માર્ગદર્શન પુરું પાડવામાં આવે છે. જેના લીધે પ્રદર્શન પ્રત્યે સામાન્ય નાગરિકોનું આકર્ષણ વધી રહ્યું છે. એર રાઈફલ શુટીંગ ગેલેરી વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અને મુલાકાતીઓ વિવિધ શસ્ત્રો અને સૈન્યમાં વપરાતા હથિયારો નિહાળી તેમજ તેના વિશે જાણકારી મેળવી રોમાંચ અનુભવી રહ્યા છે. લોકોની માંગણી અને રસરૂચીને ધ્યાનમાં રાખી આ પ્રદર્શન 14 મી ઓક્ટોબર સુખી ખુલ્લું રહેશે.
આ પણ વાંચો :અમિત શાહે ગૌરવ યાત્રાના પ્રારંભ સાથે જ કહ્યું, ‘આ યાત્રા ભાજપના કામનો હિસાબ જનતાને આપશે ‘
આ પ્રસંગે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ, અસિત મિસ્ત્રી (PVSM,AVSM,SM,VSM), દલબીર સિંહ અહલાવત, કમાન્ડન્ટ 93 BN BSF, એસ.પી.સાહુ, સેકન્ડ ઇન કમાન્ડ અને 93 બટાલિયન બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.