છોટા ઉદ્દેપુર : ACBએ વધુ એક ભ્રષ્ટ અધિકારીને કર્યો ઝબ્બે; કરી હતી દોઢ લાખની માંગણી
છોટા ઉદેપુર: રાજ્યમાં સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં પોતાનો હુનર પ્રતિદિવસ નિખારી રહ્યાં છે. તો બીજી તરફ રાજ્યમાં ભ્રષ્ટાચાર પર રોક લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તેવામાં એસીબી દ્વારા એક જ અઠવાડિયામાં વધુ એક ભ્રષ્ટ અધિકારીને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લા નિરીક્ષક જમીન દફતરમાં કામ કરતાં જીલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ (ડીઆઈએલઆર) ની ધરપકડ કરવામાં આવી છે.
સુપર વિઝન અધિકારી કેબી ચુડાસમાની આગેવાની હેઠળ અમદાવાદ એસીબીએ મહેસુલ વિભાગના અધિકારી ડીઆઈએલઆર રવિ હરીશભાઇ ભાયાણીને એસીબીએ રંગેહાથે ઝડપી પાડ્યો છે. આ ભ્રષ્ટ અધિકારીને રંગેહાથે ઝડપી પાડવાની કામગીરી કે.બી ચૂડાસમાની દેખરેખ હેઠળ થઈ રહી હતી.
દોઢ લાખની કરી માંગણી
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા ખાતે ઓરસંગ નદીના પટ્ટમાં રેતીની લીઝ આવેલી છે જે લીઝની માપણી શીટ બનાવી, લીઝનાં હદ નિશાન બતાવવા પેટે આ આ કામનાં આરોપીએ 1,50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેને એસીબીનો સંપર્ક કર્યો હતો. આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે દોઢ લાખ આપ્યા હતા. તો આરોપી રવિએ પૈસા સ્વીકારી લીધા હતા. તે સમયે જ એસીબીએ રવિને ઝડપી પાડ્યો હતો.
ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ભ્રષ્ટ અધિકારીને પકડવામાં પોલીસ ઇન્સપેક્ટર ડી.એન પટેલ, અમદાવાદ શહેર એસીબી પો સ્ટેશન તથા એસીબી ટીમે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
જીલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ (ડીઆઈએલઆર)કચેરીની કામગીરી શું હોય છે?
- ખેતરોની જમીન માપણી કરવી
- જમીન સંપાદનની માપણી કામગીરી કરવી.
- કમી જાસ્તી પત્રક (કે.જે.પી.) બનાવવું.
- કોર્ટ કેસોની માપણી કરવી
- સાંથણી કેસોની માપણી કરવી.
- ભાઇઓ ભાગે ભાગ પાડવા હોઇ તેની માપણી કરવી. (પોત-હિસ્સા)
- માપણી આધારે ફેરેફાર થતો હોઇ દેરસ્તી કરી અને રેકર્ડમાં સુધારા કરવા.
- હાલમા ચાલતી રી-સરવેની કામગીરીમાં લોકોની અરજી (વાંધાનો) અન્વયે માપણી કરી તેની દરખાસ્ત બનાવી સુપ..લે.રે.કચેરી. મોકલાવી.