ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રયાન-3 ટીમનું અમેરિકી સ્પેસ ફાઉન્ડેશને એવોર્ડ આપી કર્યું સન્માન

વૉશિગ્ટન (અમેરિકા), 10 એપ્રિલ: વિશ્વભરમાં ભારતના અવકાશ વિજ્ઞાનીઓને ડંકો વાગ્યો છે. અવકાશ ક્ષેત્રે ભારતના વિજ્ઞાનીઓએ સરાહનીય કાર્ય કર્યું છે અને તેનું ઉદાહરણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ છે. ભારતના આ ઐતિહાસિક સફળતાની ગાથા વિશ્વભરમાં ગવાઈ રહી છે. જેના પરિણામે ભારતની ચંદ્રયાન-3 મિશન ટીમને હવે અવકાશ સંશોધન માટે પ્રતિષ્ઠિત 2024 જ્હોન એલ ‘જેક’ સ્વિગર્ટ જુનિયર એવોર્ડ મળ્યો છે. કોલોરાડોમાં વાર્ષિક સ્પેસ સેમિનાર દરમિયાન હ્યુસ્ટનમાં ભારતના કોન્સલ જનરલ ડીસી મંજુનાથને ISRO વતી એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડની જાહેરાત સ્પેસ ફાઉન્ડેશનના CEO હીથર પ્રિંગલે જાન્યુઆરીમાં કરી હતી.

ચંદ્રયાન 3 ટીમે અવકાશ સંશોધનનું સ્તર નવી ઊંચાઈએ પહોંચાડ્યું

સ્પેસ ફાઉન્ડેશને આ અવસરે કહ્યું કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર સૌપ્રથમ દેશ તરીકે ISROનું મિશન ચંદ્રયાન-3 માનવતાની અવકાશ સંધોશન આકાંક્ષાઓને સમજણ અને સહયોગ માટે નવા ક્ષેત્રમાં વિસ્તારે છે. સ્પેસ ફાઉન્ડેશનના સીઈઓ હીથર પ્રિંગલે જાન્યુઆરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી ત્યારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અવકાશમાં ભારતનું નેતૃત્વ વિશ્વ માટે એક પ્રેરણા છે. ચંદ્રયાન-3 ટીમના અગ્રણી કાર્યથી અવકાશ સંશોધનનું સ્તર નવી ઊંચાઈએ પહોંચ્યું છે. તેમનું અદ્ભુત મૂન લેન્ડિંગ આપણા બધા માટે એક મૉડલ છે.

આ એવોર્ડ દરેક ભારતીય માટે ગર્વની વાત

જ્હોન એલ. ‘જેક’ સ્વિગર્ટ જુનિયર એવોર્ડ ચંદ્રયાન-3 મિશનની ટીમને મળ્યો છે પરંતુ તે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. આ એવોર્ડ અવકાશ ક્ષેત્રે સર્વોચ્ચ એવોર્ડ છે. ઉલ્લેખનીય છે કે, સ્પેસ ફાઉન્ડેશન દ્વારા 2004માં જ્હોન એલ. “જેક” સ્વિગર્ટ, જુનિયરની યાદમાં સ્પેસ એક્સપ્લોરેશન માટેના પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. જ્હોન એલ. “જેક” સ્વિગર્ટ, જુનિયર NASAના એપોલો 13 ચંદ્ર પરના મિશનનો ભાગ હતા, જે ઓક્સિજન ટાંકીમાં લીક થવાને કારણે રદ કરવામાં આવ્યું હતું અને નાસાએ ત્રણેય અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કર્યા હતા.

ચંદ્રયાન 3 મિશન પર એક નજર

ISROએ 14 જુલાઈ 2023ના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું હતું. અવકાશયાનમાં વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન નામનું રોવર હતું. લેન્ડર 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મૂકનાર પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન 3 લેન્ડર જ્યાં ઉતર્યું હતું તે બિંદુને શિવ શક પોઇન્ટ નામ આપવામાં આવ્યું હતું. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચંદ્ર લેન્ડિંગ મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે.

આ પણ વાંચો: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાત મહિના પછી આવી ખુશખબર

Back to top button