ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચંદ્રબાબુ નાયડુમાં યોગીજીનો આત્મા પ્રવેશ્યો? જાણો પરોઢિયે પાંચ વાગ્યે ક્યાં બુલડોઝર ફેરવ્યું?

  • ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની સેન્ટ્રલ પાર્ટી ઑફિસને પરોઢિયે ઘણા બુલડોઝરોએ થોડી જ વારમાં જમીનદોસ્ત કરી દીધી

અમરાવતી, 22 જૂન: આંધ્રપ્રદેશમાં ગુંટુર જિલ્લાના તાડેપલ્લી ખાતે YSR કોંગ્રેસ પાર્ટીના નિર્માણાધીન કેન્દ્રીય કાર્યાલયને આજે શનિવારે વહેલી સવારે કથિત ગેરકાયદે બાંધકામને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તોડી પાડ્યું હતું. મંગલાગિરી-તાડેપલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (MTMC) અધિકારીઓએ પરોઢિયે 5:00 વાગ્યાની આસપાસ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓફિસ ડિમોલિશનમાં અનેક બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. થોડી જ વારમાં બુલડોઝરોએ ઓફિસને જમીનદોસ્ત કરી દીધી.

 

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વાય.એસ.જગનમોહન રેડ્ડીના નિવાસસ્થાન પછી, હવે તાડેપલ્લીમાં તેમની પાર્ટી YSRCPની નિર્માણાધીન કેન્દ્રીય ઑફિસ પર બુલડોઝર ફરી વળ્યું છે. વહીવટી અધિકારીઓ બુલડોઝર સાથે મોટી સંખ્યામાં પહોંચ્યા અને થોડી જ વારમાં પાર્ટી કાર્યાલયને તોડી પાડ્યું. જેના પર YSRCPએ કહ્યું કે, TDP બદલાની રાજનીતિ કરી રહી છે.

YSRCPએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો

કેપિટલ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (CRDA)એ કથિત ગેરકાયદે બાંધકામને કારણે YSRCPને નોટિસ જારી કરી હતી. આ પછી YSRCPએ શુક્રવારે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પક્ષના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે, કોર્ટે કોઈપણ ડિમોલિશન પ્રવૃત્તિ પર સ્ટે આપવાનો આદેશ આપ્યો છે અને YSRCPના વકીલે CRDA કમિશનરને જાણ કરી છે.

સિંચાઈ વિભાગની જમીન પર ઓફિસ બનાવવાનો આક્ષેપ

CRDA અને MTMC અધિકારીઓના જણાવ્યા અનુસાર, YSRCP ઓફિસ સિંચાઈ વિભાગની જમીન પર બની રહી હતી. એવો આરોપ છે કે, જગનમોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની વાયએસઆરસીપી સરકાર દરમિયાન, બોટયાર્ડ બનાવવા માટે જે જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે નજીવી રકમ પર લીઝ પર લેવામાં આવી હતી. અન્ય આરોપ એવો પણ છે કે, સીઆરડીએ અને એમટીએમસીની મંજૂરી લીધા વિના જ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

ચંદ્રાબાબુ નાયડુએ બદલો લીધો છે:જગનમોહન રેડ્ડી 

વાયએસઆરસીપીના પ્રમુખ અને ભૂતપૂર્વ સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીએ તેમના X એકાઉન્ટ પર લખ્યું કે, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાજકીય બદલો લેવાનો આશરો લીધો છે. એક સરમુખત્યારે હાઈકોર્ટના આદેશની અવગણના કરી અને YSRCP કેન્દ્રીય કાર્યાલયને બુલડોઝર વડે તોડી પાડ્યું. આ કાર્યવાહી દ્વારા ચંદ્રબાબુ નાયડુએ સંદેશ આપી રહ્યા છે કે, આગામી પાંચ વર્ષમાં તેમનું શાસન કેવું રહેશે? અમારો પક્ષ હવે આ ધમકીઓ અને રાજકીય બદલા સામે ઝૂંકશે નહીં.” જગનમોહન રેડ્ડીએ લોકો વતી લડવાની પ્રતિજ્ઞા લીધી અને દેશના તમામ લોકતાંત્રિક દળોને ચંદ્રબાબુ નાયડુની આ ક્રિયાઓની નિંદા કરવા અપીલ કરી.

ઘર પર પણ બુલડોઝર ફરી વળ્યું હતું 

પાર્ટી કાર્યાલય પહેલા, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (GHMC) ભૂતપૂર્વ સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીના નિવાસસ્થાન, લોટસ પોન્ડ બાજુની  ફૂટપાથ પર બુલડોઝ ફરી વળ્યું હતું. હકીકતમાં, અહીં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોલોનીમાં રહેતા લોકોએ જ આ ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદ કરી હતી.

આ પણ જુઓ: બ્રિજ પર અધવચ્ચે ફસાઈ ટ્રેન! લોકો પાઇલટે પોતાનો જીવ મૂક્યો જોખમમાં, જુઓ વીડિયો

Back to top button