ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ કુમાર છાત્રાલય માટે 11 લાખનો ચેક આપ્યો
પાલનપુર: રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત શ્રી એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે રબારી સમાજ યુવા પ્રગતિ મંડળ દ્વારા ધોરણ 10, 12 અને કોલેજની વિવિધ ફેકલ્ટીમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ તેમજ સરકારી ભરતીમાં પસંદગી પામેલ અધિકારીઓ અને કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
ડીસાના સમશેરપુરા ખાતે આકાર પામી રહેલ શ્રી એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારે રબારી સમાજના તેજસ્વી તારલા, નવનિયુક્ત અધિકારીઓ, કર્મચારીઓ, દાતાઓ તેમજ પદાધિકારીઓનો સન્માન સમારોહ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઈ તેમજ રબારી ગોપાલક છાત્રાલય ડીસાના પ્રમુખ રેવાભાઇ દેસાઈ સહિત રબારી સમાજના રાજકીય, સામાજિક આગેવાનો, વડીલો, યુવાનો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને રબારી સમાજ ના આગેવાન માવજીભાઈ દેસાઈ દ્વારા કુમાર છાત્રાલયના બાંધકામ માટે રૂ. 51 લાખના દાનની જાહેરાત કરવામાં આવી હતી. જેનો 11 લાખનો ચેક સમાજના આગેવાનોને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રબારી સમાજના આગેવાનોએ દીકરા-દીકરીઓના અભ્યાસ પર વધુ ધ્યાન આપી અન્ય સમાજની સરખામણીમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે અપીલ કરી હતી. ઈનામ વિતરણ કાર્યક્રમમાં ભોજન દાતા નરસિહભાઈ કોલા (ઢેઢાલ) અને પ્રવિણભાઈ દેવુ (બાઇવાડા), મંડપ, શીલ્ડ અને પ્રમાણપત્ર ના દાતા નરસિંહભાઇ જોટાણા પરિવાર (બાઇવાડા), ચોપડાના દાતા નાગજીભાઇ લોઢા – નરસિંહભાઈ લોઢા (વડાવલ), સ્કુલ બેગ ના દાતા રમેશભાઈ નોગોહ (મંત્રી લોરવાડા), ફૂલહાર અને પુસ્તકના દાતા ઇશ્વરભાઇ લોઢા – અમરતભાઈ લોઢા (વડાવલ), ચા પાણી ના દાતા બાબુભાઈ રંજયા (વરનોડા) અને પત્રિકા ના દાતા રમેશભાઈ પરમાર (શેરગઢ) એ લાભ લીધો હતો.