ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બજેટથી બહાર ચાબહાર: આ પોર્ટ માટે એક પણ રૂપિયો ન ફાળવવા પાછળનુ કારણ શું?

વાણિજ્યિક અને રાજકીય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટ માટે આ વર્ષે ભારતે કોઈ બજેટ ફાળવ્યું નથી. એવું માનવામાં આવે છે કે ભારત આ પ્રોજેક્ટમાંથી ખસી ગયું છે. નિષ્ણાતો માને છે કે આ ઈરાન પર લાદવામાં આવેલા યુએસ પ્રતિબંધોનું પરિણામ છે.

1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નર્મલા સીતારમણે પોતાનું નવમું કેન્દ્રિય બજેટ રજૂ કર્યું. 53.47 લાખ કરોડ રૂપિયાના આ બજેટમાં ઈરાનના ચાબહાર પોર્ટ માટે એક પણ રૂપિયો ફાળવ્યો નથી. જ્યારે ગયા વર્ષે બજેટમાં સરકારે આ પોર્ટ માટે 400 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ પોર્ટ ભારત માટે ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ચાબહાર પોર્ટ મારફતે ભારત યુરોપ સુધી વેપાર કરી શકે છે. ઈરાન સિવાય, રશિયાને પણ આ પોર્ટથી મોટો ફાયદો થાય છે. આ પોર્ટ દ્વારા ભારત પોતાના પડોશી દેશ પાકિસ્તાનને બાયપાસ કરીને મધ્ય એશિયા અને અફગાનિસ્તાનના બજારો સુધી પહોંચ બનાવી શકે છે.

ભારત આ પોર્ટ પર અત્યાર સુધી અબજો રૂપિયાનું રોકાણ કરી ચૂક્યું છે. જેથી પ્રશ્નો ઉઠે છે કે શું ભારત અમેરિકાના દબાવમાં છે? શું ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોને કારણે સરકાર પાછળ હટી ગઈ છે? દેશ માટે આ પોર્ટ કેટલો મહત્વનો છે? પોર્ટ માટે કોઈ બજેટ ફાળવણી ન કરવાની પાછળ શું કારણ છે? અન્ય દેશો માટે આ પોર્ટ કેટલો જરૂરી છે? વાંચો અમારો આ અહેવાલ…

ભારત માટે ચાબહાર પોર્ટ કેમ મહત્વનો છે?

ચાબહાર પોર્ટ ઈરાનના દક્ષિણ-પૂર્વી સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવેલો છે. આ સમુદ્રી વિસ્તાર ભારતને લાંબા સમયથી એક વૈકલ્પિક માર્ગ પ્રદાન કરે છે. આ પોર્ટ ભારત માટે ભૌગોલિક રીતે પણ નજીક છે. ચાબહાર પોર્ટમાં બે ટર્મિનલ છે – એક શાહિદ કલાંતરી અને બીજો શાહિદ બેહેશ્તી. આ પોર્ટ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)ની બહાર છે અને મોટા જહાજો માટે સલામત માનવામાં આવે છે. આ પોર્ટ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી લગભગ 170 કિલોમીટર દૂર છે.

અબજો રૂપિયાનું રોકાણ કરી ચૂકી છે સરકાર

ભારતે ઈરાની સરકાર સાથે આ પોર્ટ અંગે કરાર કર્યા હતા. ત્યારબાદ ભારતે અબજો રૂપિયાનું રોકાણ કર્યુ. શાહિદ બેહેશ્તી અને શાહિદ કલાંતરી ટર્મિનલનું સંચાલન ભારત સરકારની ઇન્ડિયા પોર્ટ ગ્લોબલ લિમિટેડ (IPGL) અને ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને કરે છે. આ પોર્ટને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) માટે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ચાબહાર પોર્ટ પર શાહિદ બેહેશ્તી ટર્મિનલના સંચાલન માટે 2016 માં એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. દર વર્ષે તેનુ નવિકરણ (renewal) પણ થતુ રહ્યું. ત્યારબાદ 13 મે 2024ના રોજ આ ટર્મિનલના સંચાલન માટે 10 વર્ષનો કરાર કરવામાં આવ્યો. ત્યારબાદ ફરી વર્ષ 2024માં ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટના વિકાસ માટે સમજૂતી થઈ.

શું ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોની અસર થઈ રહી છે?

ચાબહાર પ્રોજેક્ટ અગાઉ પણ અમેરિકાના પ્રતિબંધોની ઝપેટમાં આવી ચૂક્યો છે. વર્ષ 2018માં અમેરિકાએ આ પ્રોજેક્ટને લઈને કેટલીક છૂટછાટ આપી હતી, પરંતુ બાદમાં ટ્રમ્પ પ્રશાસને ફરીથી પ્રતિબંધો લાદ્યા હતા. જોકે, સમયાંતરે ફરીથી મર્યાદિત છૂટ આપવામાં આવી. સપ્ટેમ્બર 2025માં અમેરિકાએ ચાબહાર પોર્ટના સંચાલન પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ સાથે જ થોડા સમય માટે છૂટ પણ આપવામાં આવી હતી. હાલ આ પ્રતિબંધ હજુ પણ અમલમાં છે.

ચર્ચા છે કે અમેરિકાના પ્રતિબંધોને કારણે જ ભારત પાછળ હટી ગયું છે. આ માટે બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. એક કારણ એ પણ છે કે છેલ્લા બે વર્ષમાં ઈરાન અગાઉની સરખામણીએ નબળું પડી ગયું છે. જોકે, કેટલાક નિષ્ણાતો આને ભારતની બીજી રણનીતિનો ભાગ માને છે. તેમનું કહેવું છે કે ભારત હજુ સુધી આ પોર્ટ પરથી સંપૂર્ણપણે પાછું હટ્યું નથી.

ભારતે ઈરાનમાં ચાબહાર પોર્ટ પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી લીધી છે. જાન્યુઆરીમાં આવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. આ પછી, વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતને એક પત્ર જારી કર્યો છે, જેમાં 26 એપ્રિલ, 2026 સુધી પ્રોજેક્ટ પરના પ્રતિબંધમાંથી બિનશરતી મુક્તિ આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે આ વ્યવસ્થા પર અમેરિકા સાથે કામ કરી રહ્યા છીએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ભારત 26 એપ્રિલ સુધી પોર્ટ પર રાબેતા મુજબ કામ કરવાનું ચાલુ રાખશે. જો આમ માની પણ લઈએ તો સવાલ ઉભો થાય છે કે, પોર્ટ માટે બજેટમાં કેમ કઈ ફાળવવામાં આવ્યું નથી? શું એપ્રિલ, 2026 પછી આ પ્રોજેક્ટ બંધ થશે કે કેમ..

શું ભારતના પાછા હટવાથી ચીનને ફાયદો થશે?

ચીન પહેલેથી જ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર હાજર છે. આવી સ્થિતિમાં, જો ભારત ચાબહારમાંથી પાછળ હટે છે, તો આ વિસ્તારમાં અધિકાર સ્થાપવા માટે ચીનને ચોક્કસ તક મળી શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભારત ચીનના ખતરાથી વાકેફ છે અને અમેરિકાનો વિરોધ કરવો એ ઠીક નથી. તેથી અમેરિકા સાથે વિવાદને ધ્યાનમાં રાખીને 2026-27ના બજેટમાં ચાબહાર માટે કોઈ રકમ ફાળવવામાં આવી નથી. આ ભારતની બીજી વ્યૂહરચનાનો એક ભાગ છે.

ઈરાન માટે આ પોર્ટ કેટલો જરૂરી છે?

ઈરાન પાસે કુલ 6 પોર્ટ છે. તેમાં મુખ્ય પોર્ટ “બંદર અબ્બાસ” છે, જે હોર્મુઝ દ્વીપસમૂહની પેલે પાર આવેલું છે. “અમીરાબાદ પોર્ટ” મઝંદરન પ્રાંતમાં કેસ્પિયન સમુદ્ર કિનારે આવેલું છે. તેના ઉપરાંત અન્જલી, નવશહેર, ચાબહાર અને ઈમામ ખમૈની પોર્ટ પણ છે. ઈરાનની 90 ટકા વસ્તી દેશના પશ્ચિમી ભાગમાં રહે છે, કારણ કે પૂર્વી ભાગ વિકસિત નથી.

ઈરાન ઇચ્છે છે કે ચાબહાર પોર્ટની આસપાસ વધુ વિકાસ થાય અને આ પોર્ટને મધ્ય એશિયા માટે પ્રવેશદ્વાર તરીકે ઉપયોગ કરી શકાય. ઈરાન મોટાભાગે “બંદર અબ્બાસ” પર નિર્ભર છે. જોકે, તે ઊંડા પાણીનું પોર્ટ નથી અને મોટા કાર્ગો જહાજોનું સંચાલન કરી શકતું નથી. જ્યારે ચાબહાર પોર્ટમાં મોટા જહાજો સરળતાથી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, જો ભારત આ પોર્ટ પ્રત્યે ઉદાસીન વલણ દાખવે, તો તે ઈરાન માટે પણ મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

અમેરિકા ઈરાન પર પ્રતિબંધો કેમ લાદે છે?

અમેરિકા અને ઈરાન વચ્ચે 1979 થી તણાવ ચાલતો રહ્યો છે. અમેરિકાએ ઈરાનને ચોક્કસ પ્રવૃત્તિઓમાં, ખાસ કરીને આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી રોકવા માટે અનેક પ્રતિબંધો લાદ્યા હતા. ઈરાનને પરમાણુ શક્તિ બનતા અટકાવવાનું પણ એક પરિબળ હતું. ભુતપુર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ. બુશ અને બરાક ઓબામાએ પણ તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકન કંપનીઓને ઈરાન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઈરાનના તેલ અને બેંકિંગ ઉદ્યોગો પર પણ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીની ચાબહાર પોર્ટ માટે કરેલી મોટી મોટી બડાઈઓ હવે પોકળ સાબિત થઈ રહી છે. વર્ષોથી પોર્ટના વ્યૂહાત્મક અને વ્યાપારિક મહત્વને લઈને PM દ્વારા અનેક જાહેર નિવેદનો, જાહેરાતો અને વિકાસના વાયદા કરવામાં આવ્યા હતા. પરંતુ બજેટ 2026-27માં પોર્ટ માટે એક પણ રૂપિયો ફાળવાયો નથી, અને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન નથી આપવામાં આવ્યું. ત્યારે સરકારના આ મોટા દાવાઓ પર શંકા ઉભરી છે અને દરેક વખતની જેમ આનો જવાબ પણ લોકોને હજુ સુધી અપાયો નથી. લોકોમાં પ્રશ્ન ઉઠે છે કે જે પ્રોજેક્ટ માટે PM દ્વારા કરોડો રૂપિયાનુ રોકાણ અને મહત્વ દર્શાવાયું હતું, તે હવે કેમ નિષ્ક્રિય બની ગયું છે અને આ અંગે પ્રધાનમંત્રી અને સરકાર કોઈ સ્પષ્ટ વાત કેમ નથી કરતા.

આ પણ વાંચો: પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપી, તો ઘર કેમ નહીં? સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ

Back to top button