3 નવી એરલાઇન્સને કેન્દ્રની લીલી ઝંડી
સરકારે એવિએશન સેક્ટરમાં સ્પર્ધા વધારવા અને મોટી એરલાઇન્સ પર નિર્ભરતા ઘટાડવા માટે ત્રણ નવી એરલાઇન્સને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કર્યાં છે. આ એરલાઇન્સનાં નામ શંખ એર, અલહિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસ છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે હાલમાં ઇન્ડિગોના ઓપરેશન સંબંધિત સમસ્યાઓ સામે આવી હતી. આ પછી સરકારને લાગ્યું કે ભારતીય એવિએશન સેક્ટરમાં વધુ કંપનીઓ અને વિકલ્પોની જરૂર છે.
નાગરિક ઉડ્ડયનમંત્રી રામ મોહન નાયડુએ કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય ભારતીય આકાશમાં વધુ એરલાઇન્સને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર માને છે કે નવી એરલાઇન્સના આગમનથી મુસાફરોને વધુ સારી સેવા અને વધુ વિકલ્પો મળશે.
એવિએશન ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે આનાથી ભારતીય એવિએશન સેક્ટરમાં નવી સ્પર્ધા શરૂ થશે, જોકે આ નવી એરલાઇન્સ સામે અસલી પડકાર હવે શરૂ થાય છે. તેમણે મૂડી એકત્ર કરવી પડશે, વિમાન કાફલો તૈયાર કરવો પડશે અને મજબૂત નેટવર્ક ઊભું કરવું પડશે, જેથી તેઓ સાચા અર્થમાં ઉડાન ભરી શકે.
શંખ એર: ઉત્તરપ્રદેશની આ એરલાઇન પોતાને ફુલ-સર્વિસ એરલાઇન તરીકે રજૂ કરી રહી છે. કંપનીનું ધ્યાન મોટાં શહેરો અને મુખ્ય રાજ્યોને એકબીજા સાથે જોડવા પર રહેશે. નેટવર્કનું વિસ્તરણ ધીમે ધીમે કરવામાં આવશે, જેથી પ્રારંભિક ખર્ચને નિયંત્રિત કરી શકાય.
યોજના મુજબ, એરલાઇન 2026ના પ્રથમ ક્વાર્ટરમાં તેની ફ્લાઇટ્સ શરૂ કરશે. આગામી 2થી 3 વર્ષમાં કાફલામાં 20થી 25 વિમાનોનો સમાવેશ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
અલહિન્દ એર: કેરળના અલહિન્દ ગ્રુપ સાથે સંકળાયેલી આ એરલાઇન પહેલાં ટ્રાવેલ અને ટૂરિઝમના ક્ષેત્રમાં કામ કરતી હતી. હવેતેનું મોડલ રીજનલ અને લો-કોસ્ટ કનેક્ટિવિટીનું હશે. કંપની નાનાં વિમાનોનો ઉપયોગ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.












