ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો ઉપર છેવટે એક્શન, 5 વર્ષ માટે મૂકાયો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હિંસક પ્રવૃતિઓને કારણે કેટલાક મૈતેઈ આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આ મેઇતેઇ સંગઠનોને તેમની અલગતાવાદી, આતંકવાદી અને હિંસક પ્રવૃત્તિઓ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ તમામ સંગઠનોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ‘ગેરકાયદેસર સંગઠનો’ જાહેર કરાયા છે. સરકારનું માનવું છે કે આ સંગઠનો મણિપુરમાં સુરક્ષા દળો, પોલીસ અને નાગરિકો પર હુમલા અને હત્યાઓમાં સામેલ છે. એટલું જ નહીં, તેઓ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે ખતરો છે.

ગૃહ મંત્રાલયે આ સંગઠનોને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવીને તેમની સામે કડક હાથે કાર્યવાહી કરી છે. પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને તેની રાજકીય શાખા રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF), યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) અને તેની સશસ્ત્ર શાખા મણિપુર આર્મી (MPA), પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઑફ કાંગલીપાક (PREPAK) અને તેની સશસ્ત્ર શાખા રેડ આર્મી, કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP) અને તેની સશસ્ત્ર શાખા ‘રેડ આર્મી’, કાંગલી યાઓલ કનબા લુપ (KYKL), સંકલન સમિતિ અને એલાયન્સ ફૉર સોશ્યલિસ્ટ યુનિટી કાંગલીપાક (ASUK) અને તમામ સંબંધિત જૂથો પર 13 નવેમ્બર 2023થી પાંચ વર્ષ માટે પ્રતિબંધ લાગુ કરાયો છે.

સંગઠનોનો ઉદ્દેશ્ય મણિપુરને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનો છે

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંગઠનોનું ઘોષિત લક્ષ્ય મણિપુરને ભારતથી અલગ કરીને સશસ્ત્ર સંઘર્ષ દ્વારા તેને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનું છે. આ અંગે તેઓ રાજ્યના સ્થાનિક લોકોને અલગતાવાદ માટે ઉશ્કેરી રહ્યા છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, મેઇતેઇ ઉગ્રવાદી સંગઠન ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને નુકસાન પહોંચાડનારી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેઓ તેમના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે સશસ્ત્ર માધ્યમોનો ઉપયોગ કરે છે. આ સંગઠનો મણિપુરમાં સુરક્ષા દળો, પોલીસ અને નાગરિકો પર હુમલો કરે છે અને મારી નાખે છે. સંગઠનો માટે ભંડોળ એકત્ર કરવા માટે તેઓ સામાન્ય નાગરિકોને ડરાવવા, ગેરવસૂલી અને લૂંટના કૃત્યોમાં સામેલ છે. લોકોના અભિપ્રાયને પ્રભાવિત કરવાનું અને તેમના નામે વિદેશી સ્ત્રોતો સાથે સંપર્ક કરવાનું પણ તેમનું કામ છે. તેઓએ હથિયારો અને દારૂગોળાની ગુપ્ત ખરીદી અને તાલીમ માટે પાડોશી દેશોમાં પણ કેમ્પ સ્થાપ્યા છે.

મણિપુર હિંસામાં 180થી વધુ લોકો મૃત્યુ પામ્યાં

મણિપુરમાં 3 મે, 2023ના રોજ હિંસા ફાટી નીકળ્યા મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકાયો હતો. રાજ્યમાં મેઇતેઇ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની માગનો વિરોધ કરાયો હતો. આ કારણે પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા માર્ચનું આયોજન કર્યા બાદ જાતિ હિંસા ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની લગભગ 53% વસ્તી મૈતેઈ સમુદાયની છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલના ખીણ વિસ્તારમાં રહે છે. બીજી તરફ, નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોનો હિસ્સો 40% છે અને તેઓ મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

આ પણ વાંચો: મણિપુર હિંસામાં પુરવાઓના આધારે જ કાર્યવાહી કરાઈ : CBI – NIA

Back to top button