પ્રમુખસ્વામી મહારાજની આજે 101મી જન્મજયંતિ પર્વની ઉજવણી, હરિભક્તો દ્વારા અનેકવિધ કાર્યક્રમો
અમદાવાદઃ વિશ્વવંદનિય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજની 7 ડિસેમ્બરે આજે 101મી જન્મજયંતિ છે. જો કે આ પહેલાં ગુરુવારે 3 ડિસેમ્બરે તિથિ પ્રમાણા પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. અમદાવાદમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિક્રમ સંવત્સરની તિથિ અનુસાર પ્રમુખસ્વામી મહારાજના 101મા જન્મજયંતી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા. મહંતસ્વામી મહારાજની પ્રાત:પૂજામાં સંસ્થાના વરિષ્ઠ સંતોએ પ્રમુખસ્વામીના ગુણાનુવાદ ગાઈને પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશને સૌના હૈયે દૃઢાવ્યો હતો.
PM મોદીએ પત્ર લખી પ્રમુખસ્વામી મહારાજના સ્મરણો યાદ કર્યા
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રમાં ભાવોર્મિઓ વહાવતાં જણાવ્યું હતું, “પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીના અવસરે અનેક સ્મરણો મારી આંખ સામે તરી આવે છે. તેમની કરુણામય આંખો, શિશુસહજ હાસ્યથી સદાય શોભતો ચહેરો અને તપોબળથી સમૃદ્ધ એવી સરળ-સહજ ભાષા સદૈવ યાદ આવે છે…
પ્રમુખસ્વામી મહારાજે સમાજના છેવાડાના વર્ગ સુધી સેવા અને સાંસ્કૃતિક સંદેશને પહોંચાડવાનું કાર્ય કર્યું. વ્યસનમુક્તિ, શિક્ષણ પ્રસાર, આરોગ્ય સેવા જેવાં સમાજ સુધાર કાર્યો દ્વારા વંચિત વર્ગના લોકોના જીવનને તેમણે નવી દિશા આપી, આત્મસમ્માન બક્ષ્યું. વિશ્વભરમાં માનવમૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના તેઓ અગ્રીમ વાહક રહ્યા છે.”
15 ડિસેમ્બરથી એક મહિના સુધી જન્મ શતાબ્દિ મહોત્સવ
પ્રમુખસ્વામી મહારાજનો મુખ્ય જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી ઓગણજ સર્કલ પાસે આવેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. આ મહોત્સવ પહેલા સમગ્ર વિશ્વમાં વસેલા BAPS સંસ્થાના અનુયાયીઓ દ્વારા ’ઘેર ઘેર જન્મોત્સવ’ ના શીર્ષક હેઠળ આનંદ અને ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો. ઘેર ઘેર જન્મોત્સવના આયોજનમાં હરિભક્તોએ પોતાનાં ઘરોને શણગાર્યાં હતાં, ઘરના પ્રાંગણમાં રંગોળીઓનું સુશોભન કરીને દીપમાળાઓ પ્રજ્વલિત કરી પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પી હતી.
પ્રમુખસ્વામી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ દીક્ષા લીધી તે પહેલાં શાંતિલાલના નામથી ઓળખાતા હતા. શાંતિલાલનનો જન્મ 7 ડિસેમ્બર 1921ના રોજ ગુજરાતના ચાણસદ ગામમાં થયો હતો. પિતા મોતીભાઇ અને માતા દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના શિષ્યો અને અક્ષર પુરુષોત્તમ આસ્થાના અનુયાયીઓ હતા.
શાંતિલાલ નાનપણથી જ આધ્યાત્મિકતા તરફ મક્કમ હતા. સ્કૂલનું કામ પૂરું કર્યા પછી, તે ઘણીવાર ગામના હનુમાનજી મંદિર તરફ જતાં, જ્યાં તે પ્રવચનો સાંભળતા. કિશોર વયે, શાસ્ત્રીજી મહારાજ સાથે શાંતિલાલનું બંધન ગાઢ બન્યું. 7 નવેમ્બર 1939 ના રોજ, જ્યારે શાંતિલાલ સત્તર વર્ષના હતા, ત્યારે તેમને તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજનો એક પત્ર મળ્યો, જેમાં સાધુમાં જોડાવા કહ્યું. તેમના માતાપિતાએ તેમની પરવાનગી અને આશીર્વાદ આપ્યા. જે બાદ શાસ્ત્રીજી મહારાજે 22 નવેમ્બર 1939ના રોજ અમદાવાદની આંબલીવાળી પોળમાં શાંતિલાલને પ્રાથમિક દીક્ષા આપી અને તેનું નામ શાંતિ ભગત રાખ્યું.
1950માં BAPSના પ્રમુખ તરીકે નિયુક્ત થયા. યોગીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને તેમના આધ્યાત્મિક અનુગામી અને BAPSના ગુરુ તરીકે જાહેર કર્યા, જેની ભૂમિકા તેમણે 1971થી શરૂ કરી હતી.
BAPS પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાત કેન્દ્રિત સંસ્થાને વિશ્વ ફલક પર ફેલાવી. તેમણે નવી દિલ્હી અને ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરો સહિત 1100થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા. પ્રમુખસ્વામી મહારાજે BAPSના દાનના પ્રયત્નોને પણ આગળ ધપાવ્યા હતા.