વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર: 2 લોકોએ ગુમાવ્યો જીવ

વડોદરા, 19 જુલાઈ, 2025: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેરોલી ગામ નજીક આજે એક દુઃખદ ઘટના બની છે. નર્મદા કેનાલમાં એક કાર ખાબકતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે બે વ્યક્તિઓનો સમયસર બચાવ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ચાર લોકોની કાર દેરોલી ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કાર પર નિયંત્રણ ગુમાતાં તે સીધા નર્મદા કેનાલમાં ખાબકી હતી.
આ કારમાં સવાર લોકો દિવાળીપુરા વિસ્તારના રહેવાસી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. અકસ્માત બાદ આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. બંને બચાવાયેલ શખ્સોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મોતને ભેટેલા બે મૃતદેહોને પણ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા છે.
ઘટનાની જાણ થતાં કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કેનાલ પાસે કોઈ સુરક્ષાની વ્યવસ્થા ન હોવાને કારણે આવી દુર્ઘટનાઓ ઘટે છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને કાર નર્મદા કેનાલમાં કેવી રીતે ખાબકી તે અંગેની વિગતો મેળવવાનો પ્રયાસ ચાલુ છે.












