શું હજુ પણ ભારતીય ટીમ WTC ફાઈનલ રમી શકે છે, શું છે રસ્તો? જાણો
- ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો
HD ન્યૂઝ ડેસ્ક, 9 ડિસેમ્બર: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમને વધુ એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા સિરીઝની પ્રથમ મેચમાં રોહિત શર્મા હાજર નહોતો, તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી અને ભારતીય ટીમને જીત તરફ દોરી હતી. રોહિત શર્માની વાપસી બાદ એવી અપેક્ષા હતી કે, હવે પછીની જીત વધુ ઐતિહાસિક બનશે, જે થઈ શક્યું નહીં. હવે જ્યારે વધુ એક શ્રેણી બરાબર પર આવી ગઈ છે, ત્યારે ભારત પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સીધા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ફરી પ્રથમ સ્થાન પર કબજો જમાવ્યો છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે, શું ટીમ ઈન્ડિયા હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરી શકશે. હવે કયા નવા સમીકરણો સર્જાઈ રહ્યા છે?
ઓસ્ટ્રેલિયા ફરી નંબર વન, દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે
જો આ સમયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર નજર કરવામાં આવે તો જોઈ શકાય છે કે ઓસ્ટ્રેલિયન ટીમ ફરીથી નંબર વન પર પહોંચી ગઈ છે. આ મેચમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાનો PCT 60.71 થઈ ગયો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા સ્થાને છે. તેમનું PCT હાલમાં 59.26 છે. એટલે કે પ્રથમ અને બીજી ટીમ વચ્ચેનો તફાવત બહુ નથી. મેચમાં જીત કે હાર તેને બદલી નાખશે.
WTC પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ત્રીજા સ્થાને
જો ભારતીય ટીમની વાત કરવામાં આવે તો ભારત હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે જે ચિંતાનો વિષય છે. ભારતનું PCT હાલમાં 57.29 છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ સુધી ભારતીય ટીમ નંબર વન પર હતી, પરંતુ તે મેચમાં જ મળેલી હારને કારણે તેને સીધા ત્રીજા નંબર પર જવાની ફરજ પડી છે. જો કે ભારતીય ટીમ માટે હજુ પણ ફાઈનલનો રસ્તો બંધ થયો નથી. તે ચોક્કસ છે કે, માર્ગ ચોક્કસપણે મુશ્કેલ બની ગયો છે.
ભારતીય ટીમે જીતવી પડશે બાકીની ત્રણેય મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ બોર્ડર ગાવસ્કર સિરીઝમાં હજુ ત્રણ મેચ બાકી છે. જો ટીમ ઈન્ડિયા સતત ત્રણેય મેચ જીતવામાં સફળ રહે છે તો તેને ફરીથી ફાઈનલમાં જતા કોઈ રોકી શકશે નહીં. ભારતની જીતનો અર્થ એ થશે કે ઓસ્ટ્રેલિયાનું PCT ઘટતું રહેશે. આનાથી ભારતનો ફાઇનલમાં પ્રવેશ સુનિશ્ચિત થશે, ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલીઓ વધશે. જો ટીમ ઈન્ડિયા બાકીની ત્રણ મેચમાંથી એક પણ હારી જાય અથવા મેચ ડ્રો થઈ જાય છે તો ભારતનું ફાઈનલમાં જવું લગભગ અશક્ય બની જશે. જો કે આ સ્થિતિમાં અન્ય ટીમો કેવું પ્રદર્શન કરે છે તે પણ જોવાનું રહેશે.
આ પણ જૂઓ: એડીલેડ ટેસ્ટ : સિરાજને ભારે પડશે હેડ સાથેની લડાઈ, ICC કરશે આ કાર્યવાહી
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં