ખુરશી બચાવવા હેમંત સોરેનના હવાતિયાં : ધારાસભ્યોને અન્ય સ્થળે ખસેડવા તૈયારી


ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા પર નિર્ણય પહેલા જ હલચલ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાંનુસાર મહાગઠબંધનના ધારાસભ્યોને છત્તીસગઢ શિફ્ટ કરવામાં આવી શકે છે. આજે હેમંત સોરેનના ઘરે ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં અનેક ધારાસભ્યો સામાન સાથે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને અન્ય રાજ્યમાં શિફ્ટ કરવાની અટકળો તેજ થઈ ગઈ છે.
ત્રણ ધારાસભ્યોને ફટકારાઇ નોટિસ
સૂત્રોના જણાવ્યાં મુજબ સીએમનો નિર્દેશ મળતા જ સત્તા પક્ષના ધારાસભ્યો અન્ય રાજ્યમાં શિફ્ટ થઈ જશે. બીજી તરફ ઝારખંડમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. ઝારખંડમાં હેમંત સોરેનની મુખ્યમંત્રીની ખુરશી પર સંકટ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ સ્પીકર રવિન્દ્ર મહતોએ કેશ કાંડ મામલે ત્રણ ધારાસભ્યો ડો. ઈરફાન અંસારી, નમન વિક્સલ કોંગાડી અને રાજેશ કચ્છપને નોટિસ મોકલી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા આલમગીર આલમની ભલામણ પર આ નોટિસ ત્રણેયની ધારાસભ્ય પદને ખતમ કરવા માટે મોકલવામાં આવી છે. તેઓને 1 સપ્ટેમ્બર સુધીમાં મેઈલ અથવા એડવોકેટ દ્વારા તેમનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
સરકાર પાડવા 10-10 કરોડની ઓફર
ફરિયાદ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણેય આરોપી ધારાસભ્યોએ ત્રણ અન્ય ધારાસભ્યો કુમાર જયમંગલ, ભૂષણ બાડા અને શિલ્પી નેહા તિર્કીને સરકાર પાડવા માટે ઓફર કરી હતી. તેના માટે મંત્રી પદ અને 10-10 કરોડની ઓફર આપવામાં આવી હતી. આ ધારાસભ્યોએ તેમની લેખિત ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, આ આધાર પર ડો. ઈરફાન, નમન વિક્સલ અને રાજેશની વિધાનસભાની સદસ્યતા ખતમ કરવાની કાર્યવાહી કરવામાં આવે.
ત્રણેય ધારાસભ્યોએ આરોપોને ફગાવ્યા
આ મામલે ત્રણેય ધારાસભ્યોએ કહ્યું કે, જે આરોપમાં નોટિસ આપવામાં આવી છે તે ખોટા છે. અમારા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. તે ત્રણેય 1 સપ્ટેમ્બરના રોજ પોતાનો જવાબ વિધાનસભા અધ્યક્ષને આપી દેશે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો જયમંગલ સિંહ ઉર્ફે અનૂપ સિંહ, શિલ્પી નેહા તિર્કી અને ભૂષણ બાડાએ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા આલમગીર આલમને આ સંબંધિત ફરિયાદ મોકલી હતી. તેના આધારે આલમે સ્પીકરને વિનંતી કરી હતી કે, ત્રણેય ધારાસભ્યો પક્ષ વિરોધી હોવાથી તેમની સામે પક્ષપલટાનો કેસ ચલાવવામાં આવે.
મુખ્યમંત્રીએ પણ પોતાના ઈરાદા વ્યક્ત કરી દીધા
ઉલ્લેખનીય છે કે, હેમંત સોરેનની મુખ્યમંત્રીની ખુરશી પર સંકટ આવી પડયા બાદ ધારાસભ્યોની બેઠક ત્રણવાર થઈ ચૂકી છે. વાત જાણે એમ છે કે ખનન પટ્ટા મામલે ચૂંટણી પંચે તપાસ બાદ પોતાનો રિપોર્ટ ઝારખંડના રાજ્યપાલને મોકલી દીધો છે જેમાં મુખ્યમંત્રી હેમંત સોરેનને વિધાનસભા સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. એટલે કે તેમની સદસ્યતા રદ કરવાની ભલામણ કરી છે. આ બધા વચ્ચે સીએમ હેમંત સોરેને પણ પોતાના ઈરાદા વ્યક્ત કરી દીધા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ આદિવાસીના પુત્ર છે. તેમની ચાલથી અમારો રસ્તો ક્યારેય અટક્યો નથી કે ન તો અમે લોકો ક્યારેય તેમનાથી ડર્યા છીએ.