ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂતોને રોકવા માટે બોર્ડર પર રાતોરાત કોંક્રીટની દિવાલ ઊભી કરાઈ, સુરક્ષા વ્યવસ્થા સઘન

Text To Speech

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકાર સાથે વાતચીત માટે સંમત ન થયા બાદ પંજાબના વિરોધ કરી રહેલા ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરવા તૈયાર છે. ખેડૂતોના વિરોધને જોતા દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. દિલ્હી અને યુપી બોર્ડર વચ્ચે રાતોરાત દિવાલ ઊભી કરવામાં આવી છે. ખેડૂતોના આંદોલનને જોતા દિલ્હી-યુપીની ગાઝીપુર બોર્ડર પર કોંક્રીટની દીવાલ ઊભી કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કોઈ સરહદ પાર ન કરી શકે. ગાઝીપુર બોર્ડર પાસે મેરઠ-દિલ્હી NH9 રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચ પહેલા દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડર પર વહેલી સવારથી ભારે ટ્રાફિક જામ છે. તેમજ ટિકરી બોર્ડર પર કાંટાળા તાર અને બેરિકેટ ધરબી દેવાયા છે. પોલીસે દિલ્હીની તમામ સરહદ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવયો છે.

ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવાનો પ્રયાસ

મહત્ત્વનું છે કે પાકના લઘુત્તમ ટેકાના ભાવ અંગે કાયદો બનાવવા સહિતની વિવિધ માંગણીઓ માટે ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે ‘દિલ્હી ચલો’ કૂચ કરવામાં આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના આંદોલનને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો ધીરે ધીરે રાજધાની દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સમગ્ર દિલ્હીને વહીવટીતંત્ર દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી છે. દરેક ખૂણા પર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સરહદ સીલ કરી દેવામાં આવી છે.

દિલ્હીમાં 12 માર્ચ સુધી જાહેર સભાઓ પર પ્રતિબંધ

ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં 12 માર્ચ સુધી તમામ મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે રાજધાનીમાં કલમ 144 લાગુ કરી છે. દિલ્હી પોલીસે ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે, જેમાં મુસાફરોને દિલ્હીની ત્રણ સરહદો પર વાહનોની અવરજવર પરના પ્રતિબંધો વિશે ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી સાથે જોડાયેલા નોઈડા અને ગુરુગ્રામ માટે પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ખેડૂત આંદોલન 2.0: કેમ ફરીવાર ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી?

Back to top button