Braking News: છેવટે ઈરાને ઈઝરાયેલ ઉપર શરૂ કર્યા હુમલા, સેંકડો ડ્રોન અને ક્રુઝ મિસાઈલથી હુમલો


તલ અવીવ, 14 એપ્રિલ, 2024: છેવટે જેનો ડર હતો એ થઈને રહ્યું. ઈરાને રવિવારે ઈઝરાયેલ પર પહેલો સીધો હુમલો કર્યો. છેલ્લા થોડા દિવસથી જેની આશંકા સેવાઈ રહી હતી તે રવિવારે સાચી પડી. ઇરાને ઇઝરાયલ તરફ ડ્રોન અને મિસાઇલોના હુમલા શરૂ કર્યા હતા. ઈરાનના આ પગલાંને કારણે મધ્ય પૂર્વના ક્ષેત્રમાં એક મોટા સંકટનું જોખમ ઊભું થયું છે. આ ક્ષેત્ર ગાઝામાં યુદ્ધને કારણે પહેલેથી જ તણાવમાં છે. દરમિયાન, અમેરિકાએ ઇઝરાયેલની સુરક્ષા માટે વધુ એક વખત પુનરોચ્ચાર કર્યો હતો. સામે પક્ષે ઈરાને પણ અમેરિકાને આ તંગદિલીથી દૂર રહેવાની ધમકી આપી છે.
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હેગારીએ જણાવ્યું હતું કે ઈરાને 200 થી વધુ ડ્રોન, બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલ છોડી છે. ઈરાને કહ્યું કે આ હુમલો “ઈઝરાયેલના ગુનાઓ” માટે સજા છે. ઈરાને દમાસ્કસ કોન્સ્યુલેટ પર એક એપ્રિલના હુમલાની ગંભીર નોંધ લીધી, જેમાં સેનાપતિઓ સહિત તેના સાત ટોચના અધિકારીઓ માર્યા ગયા હતા. જોકે, ઈઝરાયેલે આ હુમલામાં તેની સંડોવણીની ન તો પુષ્ટિ કરી કે ન તો નકારી કાઢી.
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાની મિશનએ યુ.એસ.ને “દૂર રહેવા” ચેતવણી આપતા કહ્યું કે, “જો ઈઝરાયેલી શાસન બીજી ભૂલ કરશે તો ઈરાનની પ્રતિક્રિયા ખૂબ જ આકરી હશે.” અહેવાલો અનુસાર, યુએસ અને બ્રિટિશ યુદ્ધ વિમાનોએ ઈરાક-સીરિયા સરહદ પર ઈઝરાયેલ જઈ રહેલા ડ્રોનને તોડી પાડ્યું હતું. જોર્ડને તેના એરસ્પેસનું ઉલ્લંઘન કરનારા ડ્રોનને તોડી પાડ્યા હતા.
ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ હુમલાને ગંભીર ગણાવ્યો હતો. “આ એક ગંભીર અને ખતરનાક સ્થિતિ છે,” તેમણે કહ્યું.
આ પણ વાંચોઃ ઇઝરાયેલ પર ઇરાન હુમલો કરવાની કરી રહ્યું છે તૈયારી: US પ્રમુખ બાઈડનની ચેતવણી