ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપ

ભારતીય નૌકાદળે બતાવી તાકાત, ઈરાની જહાજ અને 23 પાકિસ્તાનીઓને ચાંચિયાઓથી બચાવ્યા

Text To Speech
  • ચાંચિયાઓ સામે 12 કલાકથી વધુ લાંબી કાર્યવાહી કર્યા બાદ ભારતીય નૌકાદળ દ્વારા હાઇજેક જહાજ અને તેના ક્રૂનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું 

નવી દિલ્હી, 30 માર્ચ: ભારતીય નૌકાદળે ચાંચિયાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય નૌકાદળ દ્વારા ચાંચિયાઓ સામે 12 કલાકથી વધુ લાંબી કાર્યવાહી કર્યા બાદ હાઇજેક કરાયેલા ઈરાની માછીમારી જહાજ અને તેના ક્રૂ તરીકે સેવા આપતા 23 પાકિસ્તાની નાગરિકોના જીવ બચાવવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. નૌકાદળના પ્રવક્તા દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, ભારતીય નૌકાદળની નિષ્ણાત ટીમો માછીમારીના જહાજની સંપૂર્ણ તપાસ કરી રહી છે જેથી કરીને તેને માછીમારીની કામગીરી ફરી શરૂ કરવા માટે સુરક્ષિત વિસ્તારમાં ખસેડી શકાય.

ભારતીય નેવીએ શું કહ્યું?

ભારતીય નૌકાદળે શુક્રવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે, તે એક હાઇજેક કરાયેલા માછીમારીના જહાજને બચાવવાની કામગીરીમાં રોકાયેલા છે જેમાં કથિત રીતે ચાંચિયાઓ અને તેમનો ક્રૂ સવાર હતો. નેવીએ જણાવ્યું હતું કે, ગુરુવારે જહાજની અટકાયત કરવામાં આવી હતી. INS સુમેધા દ્વારા શુક્રવારે વહેલી સવારે આ FV ‘અલ કંબર’ જહાજને અટકાવવામાં આવ્યું હતું અને બાદમાં INS ત્રિશુલ પણ તેમાં જોડાઈ હતી. માછીમારીનું જહાજ ઘટના સમયે સોકોત્રાથી દક્ષિણ પશ્ચિમમાં લગભગ 90 નોટિકલ માઈલ દૂર હતું અને ‘શસ્ત્રોથી સજ્જ સશસ્ત્ર ચાંચિયાઓ દ્વારા હાઈજેક કરવામાં આવેલું હતું.’

ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ રહેશે

ઉલ્લેખનીય છે કે, સોકોત્રા દ્વીપ ઉત્તર-પશ્ચિમ હિન્દ મહાસાગરમાં એડનની ખાડી પાસે છે. છેલ્લા કેટલાક મહિનામાં એડનની ખાડી પાસે વેપારી જહાજો પર વધી રહેલા ચાંચિયાઓના હુમલાને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળે પોતાની સતર્કતા વધારી છે. અગાઉ 5 જાન્યુઆરીએ, ભારતીય નૌકાદળે લાઇબેરિયન-ધ્વજવાળા જહાજ MV લીલા નોરફોકને સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓએ હાઇજેક કર્યા બાદ બચાવી લીધું હતું. 23 માર્ચે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે કહ્યું હતું કે, નૌકાદળ હિન્દ મહાસાગર ક્ષેત્રને વધુ સુરક્ષિત બનાવવા માટે જરૂરી કાર્યવાહી ચાલુ રાખશે.

આ પણ જુઓ: 6 મહાદ્વીપ, 27 દેશ, 30,000 કિમી! આ મહિલાએ ઈલેક્ટ્રિક કારમાં દુનિયાની સફર કરીને બનાવ્યો રેકોર્ડ

Back to top button