અમેરિકાના કેલિફોર્નિયામાં પંજાબના જે પરિવારનું અપહરણ થયું હતું, તે ચારેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાંથી એક મહિનાની બાળકી પણ સામેલ છે. મર્સ્ડ કાઉન્ટી શેરિફ વર્ન વાર્નકેએ જણાવ્યું કે આ ઘણું જ ભયાનક અને ડરામણું છે. તેમને કહ્યું કે પીડિતોના મૃતદેહ તે વિસ્તારમાંથી જ મળ્યા છે.
હાઈવે પરથી અપહરણ કરાયું હતું
અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચારેય લોકોના 3 ઓક્ટોબરે દક્ષિણ હાઈવૃ59ના 800 બ્લોકથી અપહરણ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ હજુ સુધી એકપણ સંદિગ્ધનું નામ લીધું નથી. મળતી માહિતી મુજબ પીડિત પરિવારનો અમેરિકામાં પોતાનો ટ્રાંસપોર્ટ બિઝનેસ છે. આ પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી છે.
આ પહેલા કેલિફોર્નિયા પોલીસે આ કેસમાં 48 વર્ષની વ્યક્તિની અટકાયત કરી હતી. જેને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો જેને પગલે તેની સ્થિતિ હાલ ગંભીર છે.
પંજાબના હોશિયારપુરનો રહેવાસી હતો પરિવાર
જે પરિવારનું અપહરણ કરવામાં આવ્યું તે પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી છે. બદમાશોએ જેમના અપહરણ કર્યા તેમાં 36 વર્ષના જસદીપ સિંહ, તેમના પત્ની જસલીન કૌર (27), તેમની આઠ મહિનાની દીકરી અરુહી ઘેરી અને 39 વર્ષના અમનદીપ સિંહ સામેલ હતા.
2019માં ભારતીય મૂળના નાગરિકનું અપહરણ થયું હતું
વર્ષ 2019માં ભારતીય મૂળના એક ટેક્નીશિયન તુષાર અત્રે પોતાની પ્રેમીકાની કારમાં મૃત મળી આવ્યા હતા. અમેરિકામાં એક ડિજિટલ માર્કેટિંગ કંપનીના માલિકે તેમનું કેલિફોર્નિયામાં જ તેમના ઘરે અપહરણ કરી લીધું હતું. અપહરણના થોડાં કલાકોમાં જ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.