ભાજપ સાંસદ મનસુખ વસાવા ડેડીયાપાડાના જાહેર કાર્યક્રમમાં ગિન્નાયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ 9 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ડેડિયાપાડા આદર્શ નિવાસી શાળા વિધાનસભાનું લાભાર્થી સંમેલન યોજાયું હતું.એ સંમેલનમાં મનસુખ વસાવાં પોતાનાં વિરૂદ્ધના નનામી પત્રિકા મુદ્દે ગિન્નાયા હતા.
હાલમાં જ ભાજપ સાંસદ મનસુખ વસાવા વિરૂદ્ધ એક નનામી પત્રિકા બહાર આવી છે જેમાં એમની પર ભ્રષ્ટાચારના આરોપો અને ડેડીયાપાડા વિધાનસભા હારનો ટોપલો એમના માટે ફોડવામાં આવ્યો છે. ત્યારે એ મુદ્દે મનસુખ વસાવા લાલ ચોળ થયા હતા અને જણાવ્યું હતું કે મારે જો પૈસા લેવા હોત તો મારાં મતવિસ્તારમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, એમનું નાક દબાવું તો કરોડો રૂપિયા કમાઈ શકુ છું, હુ કમજોર નથી ધારૂ એ કરી શકું છું. આખી દુનિયા ઉથલ પાથલ કરવાની તાકાત રાખું છું પણ હરામનો રૂપિયો મારે ના જોઈએ.
તેમણે વધુમાં કહ્યુ, એટલું યાદ રાખે કે હું સેટિંગ કરવાવાળો માણસ નથી, મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર કર્યો નથી અને કરવા પણ નહિ દે. મારા વિરોધમાં પત્રો લખે છે પણ હાથી પાછળ કુતરા ભસ્યા કરે. નીલ રાવના નેતૃત્વમાં કામ થયું અને ડેડીયાપાડા બેઠક હારી ગયા તો મારા માથે અને મહામંત્રી નિલ રાવના માથે હારનો ટોપલો નાખે છે એ નહિ ચાલે. નાંદોદ બેઠક પણ રાતો રાત નથી જીતી ગયા, વર્ષોથી કોંગ્રેસ અને બિટીપી સામે સંઘર્ષ કર્યો છે. મારા લોહીનું દરેક ટપકું પણ હિંદુ હિંદુ જ બોલે છે. હું સૌનો સાથ સૌનો વિકાસમાં માનવા વાળો છું પણ જો મને કોઈ છંછેડશે તો હું કોઈને છોડીશ પણ નહિ. જો તમે રાજનીતિમાં દબાયા અને મૌન રહ્યા તો રાજકારણ પુરું થઈ જશે. સરકારના આંકડા બોલે છે કે નર્મદા અને છોટાઉદેપુરમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. શિક્ષણમાં શિક્ષકોની ઘટ છે તો પુરી કરીશું.
આ પણ વાંચો: ગીર સોમનાથ: ગ્રામજનોની નિ:સ્વાર્થ સેવા, સગર્ભા મહિલાને ખાટલામાં બેસાડીને કરાવી નદી પાર