પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતમાં ભાજપની ઐતિહાસિક ક્લીન સ્વીપ, તમામ 28 બેઠકો પર ભાજપનો કબજો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી દીધો છે. તાલુકા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી તમામ 28 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.
સ્થાનિક ચૂંટણીમાં કુલ 28 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપના ઉમેદવારો મતદાન પહેલાં જ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. બાકી રહેલી 14 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં પણ ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી. આ રીતે સમગ્ર પેનલ પર ભાજપનો દબદબો રહ્યો, જ્યારે કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોમાંથી કોઈને પણ એક પણ બેઠક મળી નથી.
શહેરા તાલુકા પંચાયતમાં ભાજપનું વર્ચસ્વ લાંબા સમયથી છે અને આ વખતે પણ સ્થાનિક લોકોના ભરપૂર સમર્થનથી પાર્ટીએ સત્તાનો કબજો જાળવી રાખ્યો છે. વિજેતા ઉમેદવારો તાલુકાના વિકાસ કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તેવી અપેક્ષા છે.
શહેરા નગરપાલિકામાં પણ ભાજપની જીત
શહેરા નગરપાલિકાની પણ કુલ 28 બેઠકો પર ભાજપે તમામ બેઠકો જીતી લીધી છે. છેલ્લા 20 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન ચાલી રહ્યું છે અને આ વખતે પણ વિરોધ પક્ષોને કોઈ તક મળી નથી. આ પરિણામો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના પ્રબળ પ્રદર્શનને વધુ મજબૂત કરે છે.
આ પણ વાંચો: Vav Tharad Local Body Election Result 2026: નવા જિલ્લામાં ભાજપનો દબદબો, લાખણીમાં કોંગ્રેસે બચાવી પ્રતિષ્ઠા












