કર્ણાટકના ડેપ્યુટી સીએમ શિવકુમારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે CBI તપાસને રદ કરવાની અરજી ફગાવી
- સુપ્રીમ કોર્ટ તરફથી કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને ઝટકો
- અપ્રમાણસર સંપત્તિના કથિત કેસને રદ કરવાની અરજી કોર્ટે ફગાવી
કર્ણાટક, 15 જુલાઈ: સુપ્રીમ કોર્ટે સોમવારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને ઝટકો આપ્યો છે. શિવકુમારની અપ્રમાણસર સંપત્તિના કથિત કેસમાં સીબીઆઈ દ્વારા તેમની સામે નોંધાયેલા કેસને રદ કરવાની માંગ કરી હતી તે અરજીને કોર્ટે ફગાવી દીધી છે. એવા અહેવાલ છે કે શિવકુમારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસ સામે વાંધો ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટને તપાસ સમાપ્ત કરવાની માંગ કરી હતી. જો કે તેમની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ એસસી શર્માની બેન્ચે કહ્યું કે તેઓ કર્ણાટક હાઈકોર્ટના આદેશમાં દખલગીરી કરવા તૈયાર નથી, તેથી શિવકુમારની અરજી ફગાવી દેવામાં આવે છે.
નોંધનીય છે કે શિવકુમારે અગાઉ CBI કેસ રદ કરાવવા માટે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. હાઈકોર્ટે સીબીઆઈને આ કેસમાં તપાસ પૂર્ણ કરીને ત્રણ મહિનામાં રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું.
શું છે CBIના આરોપો?
સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે ડીકે શિવકુમારે 2013 અને 2018 વચ્ચે કોંગ્રેસ સરકારમાં મંત્રી તરીકે સેવા આપતાં તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ મેળવી હતી. સીબીઆઈએ આ મામલે 3 સપ્ટેમ્બર 2020ના રોજ કેસ નોંધ્યો હતો. જ્યારે ડીકે શિવકુમારે 2021માં આ બાબતને પડકારી હતી.
આ પણ વાંચો: હેમંત સોરેન ફરીથી CM બન્યા બાદ PM મોદીને મળ્યા, વિધાનસભા ચૂંટણીના આયોજનની અટકળો