EDની મોટી કાર્યવાહી, હરિયાણાના કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ, જુઓ શું છે સમગ્ર મામલો

- 400-500 કરોડના ગેરકાયદેસર ખનન સાથે સંબંધિત છે મામલો
- અગાઉ આ કેસમાં દિલબાગ સિંહ અને કુલવિંદર સિંહની કરાઈ ચુકી છે ધરપકડ
ચંદીગઢ, 20 જુલાઈ : ગેરકાયદે ખનન મામલે મોટી કાર્યવાહી કરતા EDની ટીમે હરિયાણાના સોનીપતથી કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની ધરપકડ કરી છે. પવાર પર યમુનાનગર વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન કરવાનો આરોપ છે. ED સુરેન્દ્ર પંવારને રિમાન્ડ માટે અંબાલાની વિશેષ અદાલતમાં લઈ જઈ રહી છે.
ગયા વર્ષે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ EDએ તપાસ હાથ ધરી હતી
આ કેસ યમુનાનગર વિસ્તારમાં સિન્ડિકેટ દ્વારા આશરે રૂ. 400-500 કરોડના ગેરકાયદેસર ખનન સાથે સંબંધિત છે. ગયા વર્ષે, હરિયાણા પોલીસે પંવાર અને અન્ય લોકો વિરુદ્ધ ગેરકાયદેસર ખાણકામના સંબંધમાં ઘણી એફઆઈઆર નોંધ્યા પછી EDએ તપાસ હાથ ધરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં EDએ INLDના પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહ, સુરેન્દ્ર પંવાર અને અન્ય સહયોગીઓના ઘરો સહીત 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ED આ કેસમાં દિલબાગ સિંહ અને કુલવિંદર સિંહની ધરપકડ કરી ચૂકી છે.
જુઓ શું છે સમગ્ર મામલો
આ વર્ષે જાન્યુઆરીમાં, EDએ ફરીદાબાદ, સોનીપત, યમુનાનગર, કરનાલ, ચંદીગઢ અને મોહાલીમાં 20 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા હરિયાણાના યમુનાનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં મોટા પાયે રેતી, પથ્થરો અને કાંકરીના ગેરકાયદેસર ખનન સાથે સંબંધિત કેસમાં પાડવામાં આવ્યા હતા. દિલબાગ સિંહ (પૂર્વ ધારાસભ્ય) અને સુરેન્દ્ર પંવાર (ધારાસભ્ય) અને તેમના સહયોગીઓ આ ગેરકાયદેસર ખાણકામમાં કથિત રીતે સામેલ હતા.
આ પણ વાંચો : ઇલોન મસ્કે PM મોદીને X પર 100 મિલિયન ફોલોઅર્સ થવા બદલ આપ્યા અભિનંદન, જાણો શું કહ્યું
EDએ હરિયાણા પોલીસ દ્વારા દાખલ કરાયેલી અનેક FIR અને ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓ સંબંધિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોના આધારે તેની તપાસ શરૂ કરી હતી. તપાસમાં યમુનાનગર જિલ્લામાં વિવિધ સ્ક્રીનીંગ પ્લાન્ટના માલિકો અને સ્ટોન ક્રશર દ્વારા ખનીજનું ગેરકાયદેસર ખાણકામ અને વેચાણ બહાર આવ્યું હતું. આમાં યોગ્ય ઈ-વે બિલ જનરેટ ન કરવા અથવા ઓળખ ટાળવા માટે નકલી દસ્તાવેજો બનાવવા જેવી ચોરીની યુક્તિઓનો સમાવેશ થાય છે.
5.29 કરોડ રોકડ, રૂ. 1.89 કરોડનું સોનું સહિતનો મુદ્દામાલ કરાયો હતો જપ્ત
સર્ચ ઓપરેશન દરમિયાન, EDએ રૂ. 5.29 કરોડ રોકડ, રૂ. 1.89 કરોડનું સોનું, 02 વાહનો, ઇલેક્ટ્રોનિક સાધનો, રોકાણ સંબંધિત દસ્તાવેજો (દેશી અને વિદેશી બંને) અને અન્ય ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા. EDએ જાન્યુઆરીમાં દિલબાગ સિંહ (પૂર્વ ધારાસભ્ય) અને તેના સહયોગી કુલવિંદર સિંહની ધરપકડ કરી હતી અને હવે સોનીપતના ધારાસભ્યની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : હૈતીના દરિયાકાંઠે બોટમાં ભભૂકી ઉઠી આગ, 40 પ્રવાસીઓના મૃત્યુ