ભુજના ઘુડખર ફાયરિંગ પ્રકરણમાં ત્રણ મોટા માથાઓના નામો ખૂલ્યા
- પોલીસે ખાસ ઓપરેશન હાથ ધરી 16 શખસોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા
- આ પ્રકરણમાં હજુ વધુ બે મોટા માથાના નામો ખૂલે તેવી પણ સંભાવના
- કસૂરવાર તમામ શખસો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે: પોલીસ
ભુજના ઘુડખર ફાયરિંગ પ્રકરણમાં ત્રણ મોટા માથાઓના નામો ખૂલ્યા છે. જેમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાસતા ફરતા બે શખ્સોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરાઇ છે. કસૂરવાર તમામ શખસો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે તેમ પોલીસે જણાવ્યું છે. તેમજ આ પ્રકરણમાં હજુ વધુ બે મોટા માથાના નામો ખૂલે તેવી પણ સંભાવના છે.
આ પણ વાંચો: વડોદરામાં ગરમીના કારણે વીજ માગ વધી ત્યારે વણાકબોરીનું 210 મેગાવોટનું એકમ ઠપ
પોલીસે ખાસ ઓપરેશન હાથ ધરી 16 શખસોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા
ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે જૂના મીઠાના કારખાનાનો જબરદસ્તીથી કબજો લેવા માટે કરાયેલ ફાયરિંગની ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને ઈજાઓ થઇ હતી. પોલીસે ખાસ ઓપરેશન હાથ ધરી 16 શખસોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમ્યાન પોલીસે આ પ્રકરણમાં વધુ ત્રણ મોટા માથાઓના નામો ખૂલતાંની સાથે જ એક શખસની ધરપકડ કરી લીધી હતી અને નાસી ગયેલા બે શખસોને ઝડપી લેવા પોલીસની સાત ટીમોને કાર્યરત કરાઈ છે. જોકે, આ પ્રકરણમાં હજુ વધુ બે મોટા માથાના નામો ખૂલે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. આ બનાવમાં કસૂરવાર તમામ આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું એસ.પી. સાગર બાગમારે જણાવ્યું હતું.
ફિલ્મીઢબે માફિયાઓની જેમ ગાડીઓમાં આવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું
પ્રાપ્ત માહિતી મુજબ શિકારપુર રણ વિસ્તારમાં ઘુડખર અભયારણ્યમાં જોધપરવાંઢ અને કાનમેર વચ્ચે આવેલા મીઠાના કારખાના પાસે બેઠેલા 11 જેટલા લોકો ઉપર ફિલ્મીઢબે માફિયાઓની જેમ ગાડીઓમાં આવી અંધાધૂંધ ફાયરિંગ કરતા ત્રણ વ્યક્તિઓને ગોળીઓ લાગી હતી, જેમાં એકને માથામાં ગોળી લાગી હોવાથી તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતાં પોલીસે ફાયરિંગના બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરી ખાસ ઓપરેશન હાથ ધરીને 17 શખસોમાંથી 16ને ઝડપી લીધા હતા.પોલીસે પકડેલા 16 આરોપીઓના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા પછી પોલીસે તમામ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસની પૂછપરછમાં ભચાઉના નરેન્દ્રદાન ગઢવી, અશોકસિંહ ઝાલા અને ગાંધીધામના દિલીપ અયાચીના નામો ખૂલતા પોલીસે તાત્કાલિક અસરથી નરેન્દ્રદાન ગઢવીની ધરપકડ કરી હતી. નરેન્દ્રદાન ગઢવી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચુક્યા છે અને હાલમાં તેમના પત્ની જિલ્લા પંચાયતના સભ્ય હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ફરાર થઈ ગયેલા અશોકસિંહ ઝાલા પણ ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે રહી ચુક્યા છે અને થોડા સમય પહેલાં કેસરિયા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.