ભવનાથ : મહાશિવરાત્રી પર લાખો શિવભકતોની હાજરીમાં ગૃહરાજ્યમંત્રીએ શિવવંદના કરી
ભવનાથ મંદિરે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાશિવરાત્રીના મેળાની મુલાકાત લઇ સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. ગૃહરાજ્યમંત્રીએ ગિરનારના સાનિધ્યમાં ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ભવનાથ મંદિર અને મૃગીકુંડના દર્શન કરી ભવનાથના મહંત શ્રી હરિગીરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ તેમણે અગ્નિ અખાડામાં જઇ દર્શન કર્યા હતા.
ગૃહરાજ્ય મંત્રીએ રોપવેમાં સફર કરી અંબાજી માતાના મંદિરે દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. જ્યાં ભાવિકોએ પણ મંત્રીને આવકાર્યા હતા. મંદિરના પૂજારી અને મહંત દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુના આશીર્વાદ લઇ શ્રી ગાયત્રી માતાના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો : મહાશિવરાત્રીના પર્વ પર મહાકાલની નગરી ઉજ્જૈને અયોધ્યાનો રેકોર્ડ તોડ્યો
ભવનાથમાં ગોરક્ષનાથ આશ્રમની મુલાકાત લઇ ગુરુ ગોરખનાથના ધુણાના દર્શન કર્યા હતા. મહંત શ્રી શેરનાથ બાપુ અને સેવક ગણ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મંત્રીએ નારાયણ સ્વામીના ઉતારાની મુલાકાત લીધી હતી. શ્રી ભારતી આશ્રમની મુલાકાત લઇ મંત્રીએ પૂજા આરતીમા સહભાગી બન્યા હતા. ભારતી આશ્રમના મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ બાપુએ ગૃહ રાજ્ય મંત્રીને સાફો પહેરાવી શોર્યતાના પ્રતિક રૂપ તલવાર અર્પણ કરી મંત્રીને આવકાર્યા હતા.
ગૃહરાજ્યમંત્રીએ ગિરનાર સાધુ સંત મંડળના અધ્યક્ષ અને મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુના આશ્રમની પણ મુલાકાત લીધી હતી. રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મંદિરના દર્શન કર્યા હતા.
ગૃહરાજય મંત્રીએ ભવનાથના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની સલામતી અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીની આ મુલાકાત વેળાએ ભવનાથ ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, મેયર ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, પુનિતભાઈ શર્મા, દિનેશભાઈ ખટારીયા તેમજ આઇજી મયંકસિંહ ચાવડા અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : મહાશિવરાત્રીના મેળામાં જટાધારી જોગીએ લાંબી જટા માટે આપ્યો રોચક જવાબ !