Bhavnagar: સિહોરમાં મિની વાવાઝોડાનો કહેર; ધૂળની ડમરીઓ અને કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

Bhavnagar Unseasonal Rain: ભાવનગર જિલ્લાના સિહોર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભરઉનાળે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ‘મિની વાવાઝોડા’નું સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. પવનની તીવ્રતા અને ધૂળની ડમરીઓને કારણે બપોરના સમયે પણ વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી, જેના પરિણામે વાહનવ્યવહાર થંભી ગયો હતો અને રસ્તાઓ સુમસામ બની ગયા હતા.
પતરાં કાગળની જેમ ઊડ્યા, અનેક જગ્યાએ અંધારપટ
વાવાઝોડાની તીવ્રતા એટલી ભયાનક હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાચા મકાનો અને દુકાનો પરના લોખંડના પતરાં હવામાં કાગળની જેમ ઊડતા જોવા મળ્યા હતા. પવનના સુસવાટા સાથે અનેક સ્થળોએ વીજ થાંભલા અને ઘટાદાર વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો સાંપડ્યા છે. વીજ માળખાને થયેલા નુકસાનને કારણે ગ્રામ્ય પંથકમાં અંધારપટ છવાઈ ગયો છે, જેનાથી જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ધૂળની ડમરીઓ શાંત થયા બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. સિહોરની સાથે વલ્લભીપુર પંથકમાં પણ જોરદાર વરસાદ નોંધાયો છે. ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી અને કેસર કેરીના પાકને આ માવઠાથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: હવામાન વિભાગની નવી આગાહી: આગામી 3 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ












