ગુજરાતમાં ઠગીનો ધંધો શરૂ કરનારા બે મહાઠગ ગુજરાતમાં આરામથી પોલીસના નાક નીચે આટલા વર્ષોથી પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા હતા છતાં પોલીસ કઈ કરી શકી નહોતી. બંને મહાઠગ કિરણ પટેલ અને સંજય શેરપુરિયાએ પોતાના ઠગીના ધંધાના પાયા સૌપ્રથમ ગુજરાતમાં નાખ્યા હતા. ગુજરાતના કેટલાય મોટા અધિકારીઓ આ બંને મહાઠગની સેવાઓ પણ લઈ ચૂક્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ પણ વાંચો : કાશ્મીરી જેલમાં હવા ખાઈ રહેલો કિરણ પટેલ કોણ છે, શું છે હકીકત, જાણો સમગ્ર મામલો
ગુજરાત પોલીસ, જે વર્ષો જૂના હત્યાના કેસ અને ચોરીના ભેદ ઉકેલી વાહવાહી લૂટતી આપણે સૌ કોઈએ જોઈ છે ત્યારે આ બે મહાઠગ આટલા વર્ષોથી ગુજરાતમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા હતા છતાં શું પોલીસને તેની જાણ નહિ થઈ હોય ? પોલીસ પર પ્રશ્નો કરવા માટે પણ અનેક કારણો છે, કારણ કે બંને મહાઠગ પર ભૂતકાળમાં પણ ઠગીના આરોપસર કેસ થયેલા હતા. મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ જ્યારે નિશાત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ ત્યારે ગુજરાત પોલીસ જાગી અને તેને કાશ્મીરથી ગુજરાત લઈ આવી.
આ પણ વાંચો : સંજય રાય શેરપુરીયા, ગુજરાતમાં ચોકીદારની નોકરીથી લઈને ઉપગ્રહ બનાવનાર !
તો બીજી તરફ સંજય શેરપુરીયાના કેસમાં પણ કઈક આવું જ થયું હતું, સંજય શેરપુરિયા પર પણ ગુજરાતમાં અગાઉ કેસ થયેલા હતા. ઠગ સંજયને યુપી પોલીસે પકડ્યા બાદ હવે ગુજરાત પોલીસ તેને ગુજરાત લાવવાની છે. ત્યારે હવે ગુજરાત પોલીસ પણ આ ઠગની પૂછપરછ કરશે. પેપરલીકમાં સંડોવાયેલો ભાસ્કર ચૌધરીએ પણ પોતાના નકલી માર્કશીટનો ધંધો ગુજરાતમાં સેટ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું હતું છતાં પોલીસ દ્વારા તે મામલે કોઈ તપાસ થઈ ન હતી. જ્યારે પેપરલીકમાં ભાસ્કર પકડાયો એ અગાઉ પણ તે એક પેપરલીકમાં શામેલ હતો. હવે પોલીસ હાલ તેની પેપરલીક મામલે જ પૂછપરછ કરી છે કે પછી માર્કશીટ અંગે પણ તપાસ કરી છે તે હવે આવનાર સમયમાં જોવું રહ્યું.
આ પણ વાંચો : કોણ છે ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ, શું છે આમનો ઇતિહાસ?
અહીં સમજવાની વાત એ છે કે સંજય રાય શેરપુરિયા અને ભાસ્કર ચૌધરી બંને ગુજરાત બહારના છે. આ બંનેએ ગુજરાતમાં આવી પોતાનું સામ્રાજ્ય ફેલાવવાની શરૂઆત કરી હતી. બંને પર ભૂતકાળમાં કેસ થયેલા હતા છતાં આવા લોકો કોઈને કોઈ રીતે કેસમાંથી બહાર આવી ગયા હતા અથવા તો કોર્ટમાં કેસ ચાલતો હતો અને પોતાનો ધંધો પણ યથાવત રાખ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લોકોને કોઈને કોઈ રીતે એવા લોકો સમર્થન કરતાં હતા જે રાજકીય રીતે આગળ હતા. હવે આગામી દિવસોમાં આ લોકો પર કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર છે કેમ કે તેમનો ભૂતકાળ જોતાં ભવિષ્યના થોડા સંકેતો જોઈ શકાય છે.
આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ સચિવાલયમાં ફરતા ‘કિરણો’ ભૂગર્ભમાં ઉતરી ગયા !
હમણાં તાજેતરમાં મહાઠગ કિરણ પટેલ અને સંજય રાય શેરપુરિયાની ધરપકડ બાદ સચિવાલયમાં ફરતા આવા ઠગો પર પણ હવે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સચિવાલયમાં ફરતા ઠગોની કોઈ કમી નથી. ત્યારે આગામી સમયમાં ઉપરોક્ત ઠગો પર કેવી કાર્યવાહી થશે તેના પરથી આગામી ભવિષ્યમાં ઠગોના નવા સર્જન માટે નિર્ણાયક રહેશે.