‘આના કરતા તો મારી નાખ્યા હોત, જીવવા લાયક નથી મૂક્યા…’ જાતિવાદનો શિકાર બનેલા કથાવાચકનું છલકાયું દર્દ

ઉત્તર પ્રદેશઃ 24 જૂન, 2025: Uttar Pradesh Caste Atrocities Against Katha Vachak: ઉત્તર પ્રદેશના ઇટાવામાં યાદવ સમુદાયના બે કથાકારોના વાળ કાપી નાખવા અને તેમની સાથે કરવામાં આવેલા ગેરવર્તનનો વિવાદ વધુ વકર્યો છે. કથાકારે દાવો કર્યો કે, ‘હિંસક લોકોના ટોળાએ મને માર માર્યો અને મારી સાથે દુર્વ્યવહાર કર્યો. એકના વાળ કાપ્યા તો બીજાનું મુંડન કરી નાંખ્યું. ટોળું આટલેથી ન અટક્યું અને બ્રાહ્મણોના જૂતા પર નાક ઘસાવડાવ્યું. શુદ્ધિકરણના નામે અમારા પર પેશાબ પણ છાંટવામાં આવ્યો. ત્યાં સુધી કે, તેમના શરીરને બીડી વડે બાળી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો.’
કથાકારોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની માંગણી કરી છે. તેમણે પોલીસ કાર્યવાહી પર તેમણે કહ્યું કે, જ્યાં સુધી બધા આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી અમને સંતોષ નહીં થાય.
કથાકારોએ જણાવી ઘટના
આ ઘટના 21 જૂનના રોજ ઉત્તર પ્રદેશના ઇટાવાના બકેવાર પોલીસ સ્ટેશન વિસ્તારના સદરપુર ગામમાં બની હતી. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો આવતાની સાથે જ તે વાઈરલ થઈ ગયો. જેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો તેવા મુકુટ સિંહ અને સંત સિંહ યાદવ નામના કથાકારોએ સમગ્ર ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. મુકુટ સિંહે જણાવ્યું કે, કથા બાદ અમને ખાવા માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં કેટલાક લોકોએ અમને અમારી જાતિ પૂછી. જવાબમાં કહ્યું કે, યાદવ. ત્યારબાદ લોકો ગુસ્સે થઈ ગયા. પહેલા અમારા વાળ કાપ્યા, ત્યારબાદ ગાળો આપવામાં અને પછી માર મારવામાં આવ્યો. ટોળાએ અમને સવાર સુધી બંધક બનાવી રાખ્યા. કથાનો ખર્ચ વસૂલવા માટે તેઓએ 30 હજાર રૂપિયા પણ લીધા. ત્યારબાદ, શુદ્ધિકરણના નામે અમારા પર પેશાબ છાંટવામાં આવ્યો. બ્રાહ્મણોના જૂતા પર નાક ઘસવા માટે મજબૂર કર્યા પછી, અમારો સામાન છીનવી લેવામાં આવ્યો અને તેને ભગાડી દેવામાં આવ્યા.
જૂતા પર નાક રગડાવ્યું, બીડીથી ડામ આપવાનો પ્રયાસ
બીજા કથાકાર સંત સિંહ યાદવનું ભીડે માથુ મૂંડાવી નાંખ્યુ હતુ અને મારપીટ પણ કરી હતી. સંત સિંહ યાદવે રડતા-રડતા હાથ જોડીને કહ્યું કે, ‘અમારી સાથે જાતિના નામે મારપીટ કર્યા બાદ લોકોએ અમારી માળા છીનવી લીધી. બ્રાહ્મણોના જૂતા પર નાક રગડાવ્યું. બીડીથી શરીર પર ડામ આપવાનો પ્રયાસ કર્યો. અમારા પર પેશાબ છાંટવામાં આવ્યો અને ગાળો ભાંડી. અમારી પાસે જે પૈસા અને સામાન હતો બધું જ છીનવી લીધું.’
આરોપીના ઘર પર બુલડોઝરની માંગ
કથાકારોએ કહ્યું કે, હવે અમને લોકોની વચ્ચે જવામાં પણ શરમ આવી રહી છે. આના કરતા તો અમને મારી નાંખવા હતા. અમે એટલા નિરાશ થઈ ગયા હતા કે, આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો. અમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની માંગ કરી છે. જે કામ અમારી સાથે થયું, તે જો કોઈ બ્રાહ્મણ સાથે થયું હોત તો અત્યાર સુધી આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવી દેવાયુ હોત.
તમામ આરોપીની ધરપકડ સુધી સંતોષ નહીં થાય
કથાકાર મુકુટ સિંહે કહ્યું કે, ‘અમારા વિશે એવું જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે અમે આધાર કાર્ડમાં પોતાના નામની આગળ અગ્નિહોત્રી લખ્યું છે, પરંતુ આધાર કાર્ડ બતાવીને તેમણે કહ્યું કે આધાર કાર્ડમાં તેમનું નામ મુકુટ સિંહ લખેલું છે.
પોલીસની કાર્યવાહી પર કથાકારોએ કહ્યું કે, અત્યાર સુધીમાં ફક્ત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં સુધી બધા આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ સંતોષ નહીં થાય.
અખિલેશ યાદવે કર્યું સન્માન
યાદવ સમુદાયના કથાકારો સાથે દુર્વ્યવહારની ઘટના પર રાજકારણ પણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પત્રકાર પરિષદ યોજીને સરકાર પર નિશાન સાધ્યું. તેમણે પીડિત કથાકારોને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું અને દરેકને 51,000 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવી. તેમણે આરોપ લગાવ્યો કે, સરકારમાં બેઠેલા લોકો અન્યાય કરી રહ્યા છે. ભગવદ કથા દરેક માટે છે. જ્યારે દરેક વ્યક્તિ આ કથા સાંભળી શકે છે, તો પછી દરેક વ્યક્તિ કેમ વાંચી ન શકે? આ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી વાર્તા છે અને જો સાચા કૃષ્ણ ભક્તોને ભગવદ કથા કહેતા અટકાવવામાં આવે છે, તો પછી કોઈ આ અપમાન કેમ સહન કરશે?
વીડિયો દ્વારા આરોપીઓની ઓળખ કરશે પોલીસ
સોશિયલ મીડિયા પર કથાકારોનો વીડિયો વાઈરલ થયા બાદ, ઇટાવાના સ્થાનિક નેતાઓએ આ બાબત અંગે એસએસપીને ફરિયાદ કરી હતી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઇટાવા પોલીસે ચાર નામાંકિત અને 50 અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને ચારેય નામાંકિત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, વીડિયોના આધારે, અજાણ્યા આરોપીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમની શોધ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ DGCA ની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય એરપોર્ટ પર ઉડ્ડયન પ્રણાલીમાં ઘણી ખામીઓ જોવા મળી
આ પણ વાંચોઃ ‘ન્યાયની મજાક…’ આદેશ છતા વ્યક્તિને મુક્ત ન કરતા સુપ્રીમ કોર્ટે જેલ અધિક્ષકને ફટકાર લગાવતા પાઠવ્યું સમન્સ












