વડોદરામાં લઠ્ઠાકાંડ ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નરે મિથેનોલના વેપારીઓને બોલાવી બેઠક યોજી કડક સૂચનો કર્યા


વડોદરાઃ બરવાળા અને ધંધુકાના ગામડાઓમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યની પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરામાં પણ આવી કોઇ ઘટના ન બને તે માટે શહેર પોલીસ કમિશ્નરે મિથેનોલના તમામ નાના મોટા ટ્રેડર્સ અને સ્ટોરેજ રાખનારઓની બેઠક બોલાવી આ કેમિકલનો જથ્થો અન્ય કોઇના હાથમાં ન જાય તે માટે કડક સૂચનો કર્યા છે.
મિથેનોલના નાના મોટા તમામ ટ્રેડર્સને બોલાવ્યાં
બરવાળા અને ધંધુકાના ગામડાઓમાં તાજેતરમાં સર્જાયલે લઠ્ઠાંકાડમાં 55થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ ચકચારી ઘટનાથી પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા ત્યારે વડોદરામાં આવી કોઇ ઘટના ન બને તે માટે તકેદારી લેવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેર સિંઘે આજે શહેરના મિથેનોલના નાના મોટા તમામ ટ્રેડર્સ, ગ્રાહક, યુઝર અને સ્ટોરેજ રાખનારા તમાસ સાથે મિટિંગ કરી હતી.
મિથેનોલનો જથ્થો સાચવવા સૂચનો આપ્યાં
આ બેઠકમાં શહેર પોલીસ કમિશ્નરે મિથેનોલના ટ્રાન્સપોર્ટેશન તેમજ સ્ટોરેજ દરમિયાન કોઇ ગેરરીતિન થાય અને તેનો નિયમ અનુસાર જ ઉપયોગ થાય. તેમજ અનઅધિકૃત વ્યક્તિ પાસે તેનો જથ્થો ન જાય અને તેના દુરૂપયોગના કારણે કોઇ હોનારત કે દુર્ઘટના ન સર્જાય તેના માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
પોલીસને બાતમી આપશે ટ્રેડર્સ
શહેર પોલીસ કમિશ્નરે યોજેલી આ બેઠકમાં મિથેનોલના 60થી 70 ડિલર્સ તથા ટ્રેડર્સ હાજર રહ્યા હતા. આ લોકોએ પણ પોલીસને બાહેંધરી આપી હતી કે મિથેનોલનો જથ્થો અનઅધિકૃત વ્યક્તિના હાથમાં નહીં જાય તેની તકેદારી રાખશે. તેમજ જો તેમને ધ્યાને આવી કોઇ પ્રવૃત્તિ આવશે તો પોલીસને બાતમી આપશે.