ગાડી ભાડે આપતા ચેતજોઃ સુરતની ઠગ ટોળકીએ 28 કાર ભાડે લઈ બારોબાર વેચી નાંખી
અમરેલી, 9 મે 2024, ગુજરાતમાં દિવસે દિવસે ઠગાઈના બનાવો વધી રહ્યાં છે. ત્યારે અમરેલીમાં ઊંચા ભાડાની લાલચ આપીને કાર મેળવ્યા બાદ તેને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે.અમરેલી પોલીસે સુરતથી ચાર શખ્સોને પોણા ચાર કરોડની કિંમતની 28 કાર સાથે ઝડપી પાડ્યા છે. આગામી દિવસોમાં આ આંકડો વધવાની પૂરી શક્યતા છે. અમરેલી ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના કાર માલિકો પણ આ ટોળકીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં રહેતા અલ્પેશ જરીવાલા, મયૂર સાંડીસ, યોગેશ પટેલ અને મીત રાઠોડ નામના શખ્સોની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.
માસ્ટર માઈન્ટ અલ્પેશ જરીવાલા સામે કુલ 15 ગુનાઓ
પ્રાપ્ત વિગતો પ્રમાણે આ કૌભાંડમાં મયૂર સાંડીસ નામના શખ્સનું અમરેલી કનેકશન હોવાથી તે અમરેલીના કારમાલિકોને સુરતના મેટ્રો પ્રોજેક્ટ માટે કારની જરૂર હોવાથી ઊંચા ભાડાની લાલચ આપતો હતો. આરોપીઓ કાર ભાડે મેળવ્યા બાદ બે ત્રણ મહિના સુધી કાર માલિકોને ભાડાની ચૂકવણી પણ કરતા હતા. પરંતુ, બાદમાં કારને ત્રીજા વ્યકિતને સસ્તા ભાવે વેચી નાખતા અથવા તો ગિરવે મૂકી પૈસા લઈ લેતા હતા. ત્યારબાદ કારના મૂળ માલિકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા. આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ અલ્પેશ જરીવાલા છે.જ્યારે યોગેશ પટેલ અને મીત રાઠોડ બંને અલ્પેશની ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. કાર બારોબાર વેચી નાખવાના કેસના માસ્ટર માઈન્ટ અલ્પેશ જરીવાલા સામે કુલ 15 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે.
સમગ્ર કૌભાંડ છેલ્લા છ મહિના દરમિયાન આચરવામાં આવ્યું
અમરેલીના લાલજીભાઈ મકવાણાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ અમરેલી પોલીસ એક્ટિવ થઈ હતી. આ ફરિયાદમાં અન્ય ભોગ બનનારા 23 સાહેદો પણ છે. સુરતમાં રહેતા લોકોએ અમરેલીથી કાર મેળવ્યા બાદ ગુજરાતનાં અલગ અલગ શહેરો ઉપરાંત અન્ય રાજ્યોમાં વેચી નાખી હતી. અત્યાર સુધીમાં પોલીસે 28 કાર જપ્ત કરી છે. જેની કિંમત ચાર કરોડ રૂપિયા કરતાં વધુ થવા જાય છે. જ્યારે વાહનનું વેચાણ થતું હોય છે ત્યારે RTOમાં નામ ટ્રાન્સફરની પ્રોસેસ થતી હોય છે. આ બનાવમાં જે આરોપીઓ છે તેઓ છેતરપિંડીથી મેળવેલી કાર સસ્તા ભાવે વેચી નાખ્યા બાદ ખરીદનારને બે ત્રણ મહિનામાં દસ્તાવેજ કરી દેવાની હૈયાધારણ આપતા હતા. પોલીસના મતે આ સમગ્ર કૌભાંડ છેલ્લા છ મહિના દરમિયાન જ આચરવામાં આવેલું છે.