ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ચોમાસામાં સાચવજો.. કોરોનાના કેસ મામલે ગુજરાત દેશમાં બીજા સ્થાને: જાણો અમદાવાદનો આંકડો

HD ડેસ્ક ન્યૂઝ, ૨૧ જૂન, ૨૦૨૫: એક તરફ ચોમાસાના પહેલા જ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે બીજી તરફ કાળમુખા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વઘુ 68 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે વધીને 265 થઇ ગયો છે. બે દિવસ અગાઉ કોરોનાના 190 એક્ટિવ કેસ હતા. આમ, એક્ટિવ કેસના પ્રમાણમાં બે દિવસમાં 50 ટકાથી વઘુનો વધારો થયો છે. હાલ 265માંથી માત્ર 11 દર્દીઓ જ હોસ્પિટલમાં છે જ્યારે 254 હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે.

ફરી એક વાર કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં એક દિવસના નવજાતને કોવિડ પોઝિટિવ આવ્યો છે. બાળક જન્મ્યું ત્યારે માતા કોવિડ પોઝિટિવ હતી. પરંતુ બાળકના જન્મ બાદ માતાનો ફરી રિપોર્ટ કરતા માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ, બાળકનું વજન ઓછું હોવાના કારણે તેને એનઆઇસીયુમાં રાખવામાં આવ્યું છે. સોલા સિવિલમાં 2 કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર થઈ રહી છે. બીજી તરફ અસારવા સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. આ ત્રણેય દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જારી કરવામાં આવેલી વિગતો અનુસાર છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓ સાજા થયા છે જ્યારે એકપણ મૃત્યુ થયું નથી. હાલ જે કેસ જોવા મળે છે તેમાં ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ એલએફ.7.9 અને એક્સએફી રેકોમબાયનટ છે. જેમાં દર્દીને સામાન્ય તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું જોઇએ. તેમને શ્વાસ લેવામાં તકલીફ-છાતીમાં દુઃખાવો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો હિતાવહ છે.

Back to top button