આખા વર્ષનું મરચું ભરતા પહેલા ચેતી જજો ! આ શહેરમાંથી મરચાના પાઉડરમાં મળ્યા પથ્થરના કણ
રાજ્યમાં ખાદ્યચીજ વસ્તુઓમાં ભેળસેળના કિસ્સા વધી રહ્યા છે. પૈસા કમાવવાની લાલચમા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના અનેક કિસ્સા સામે આવતા હોય ચે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો રાજ્યમાંથી સામે આવ્યો છે. સુરત શહેરમાં મરચામાં ભેળસેળ મળી આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામા આવેલા મરચાના પાઉડરના સેમ્પલમાંથી પથ્થરના કણ મળી આવ્યા છે.
સુરતમાં મરચાના પાઉડરમાં ભેળસેળ
હાલ મસાલાના ભરવાની સીઝન ચાલી રહી છે. જેના કારણે મરચા, મસાલામા મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામા આવતી હોય છે. આવા ભેળસેળીયાઓને પકડી પાડવા માટે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. જે અંતર્ગત સુરત શહેરમાંથી એપ્રિલ મહિનામાં 13 તારીખે અલગ અલગ વિસ્તારોમાંથી મસાલાના નમૂના લેવામા આવ્યા હતા. વિવિધ દુકાનોમાંથી કુલ 25 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ નમૂનાને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલવામા આવ્યા હતા. આ 25 જેટલા સેમ્પલમાંથી 24 નમુના લેબ પરીક્ષણ માં પાસ થયા હતા જ્યારે પાલનપોર પાટિયા વિસ્તારમાં એક દુકાનમાંથી લીધેલા મરચા પાઉડનો નમુનો લેબોરેટરીમાં ફેલ થયો છે.
આરોગ્ય વિભાગે હાથ ધરી કાર્યવાહી
પાલનપુર પાટિયા પટેલ પાર્ક શાકભાજી બજાર પાસેના શ્રી લક્ષ્મી મસાલા ગૃહ ભંડારના મરચા પાઉડરમાંથી પથ્થરના કણ મળી આવ્યા છે.જેના કારણે પાલિકાએ દુકાનદાર સામે દંડ ફટકારવાની કાર્યવાહી કરી છે. અને સાથે જ લોકોને બિન આરોગ્યપ્રદ ચીજ વસ્તુનું વેચાણ કરનારા સામે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન, GPCBનું લાયસન્સ આપવાના બહાને 42 લાખનો લગાવ્યો ચૂનો