મે 8, કરાચી: પાકિસ્તાન ક્રિકેટ કાયમ વિવાદોમાં ગ્રસ્ત હોય છે અને વિવાદો સાથે તેનો કાયમી સંબંધ રહ્યો છે. હાલમાં એક સિરીઝ માટે શાહીન શાહીન આફ્રિદીને કેપ્ટન બનાવ્યા બાદ PCBએ ફરીથી બાબર આઝમને ટીમનો કેપ્ટન બનાવી દીધો હતો. આ નિર્ણયને લીધે ઘણા પૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ રોષમાં છે અને બાબર વિશે ગમે તેમ બોલવા લાગ્યા છે.
આવા જ એક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે બાબર આઝમને એક અશક્ય ચેલેન્જ આપી છે. આ ક્રિકેટરનું નામ છે બાસિત અલી. બાસિત અલી પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને અહીં તેઓ સતત પાકિસ્તાની ક્રિકેટ અને ખાસ કરીને બાબર આઝમની ટીકા કરતા હોય છે.
બાસિત અલીના તાજેતરના એક વિડીયોમાં તેમણે બાબરને ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું છે કે બાબરે ટોચની ટીમો, યુએસએ કે આયરલેન્ડ નહીં, સામે સતત ત્રણ બોલમાં ત્રણ સ્ટ્રેટ સિક્સર મારીને બતાવે તો હું મારી આ યુટ્યુબ ચેનલ કાયમ માટે બંધ કરી દઈશ.
બાબર આઝમ તેની સંરક્ષણાત્મક બેટિંગ માટે જાણીતો છે અને તેની સ્ટ્રાઈક રેટની કાયમ ટીકા થતી હોય છે. ઘણા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો અને યુટ્યુબરો આ માટે બાબરની આકરામાં આકરા શબ્દોમાં ટીકા કરતા હોય છે. આટલું જ નહીં પરંતુ અમુક યુટ્યુબર્સ તો બાબર આઝમની અભદ્ર ભાષામાં મશ્કરી પણ કરતા હોય છે.
આમ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોમાં હાલનો પાકિસ્તાની કેપ્ટન લોકપ્રિય નથી એ સાબિત થાય છે.
બાસિત અલીએ પોતાની ચેલેન્જ આગળ વધારતાં કહ્યું છે કે જો તે મારી ચેલેન્જ પૂરી કરે તો હું યુટ્યુબ છોડી દઈશ પણ જો તે આ ચેલેન્જ પૂરી ન કરે તો તેણે ઓપનીંગ કરવાનું કાયમ માટે છોડી દેવું જોઈએ. બાસિત અલીએ આ ચેલેન્જ માટે એક શરત પણ રાખી છે.
બાસિત અલી કહે છે કે જો બાબરને મારી ચેલેન્જ સ્વીકાર્ય હોય તો તેણે જાહેરમાં એ ઘોષણા કરવી જોઈએ કે તે મારી ચેલેન્જ સ્વીકારે છે અને તો જ મારી આ ચેલેન્જ માન્ય રહેશે.
ગત વર્ષે 50 ઓવર્સના વર્લ્ડ કપમાં પાકિસ્તાન બાબરની કપ્તાની હેઠળ રમ્યું હતું અને સેમીફાઈનલ સુધી પણ નહોતું પહોંચ્યું. આથી બાબરને કેપ્ટનપદેથી હાંકી કાઢીને શાહીન આફ્રિદીને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ સિરીઝ પાકિસ્તાન હારી જતાં બાબરને ફરીથી ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો.