સ્પોર્ટસ

અમારી પાસે વિરાટ માટેની યોજના તૈયાર છે: બાબર આઝમ

Text To Speech

મે 7, લાહોર: આવનારા T20 World Cupમાં જો દરેક દેશનાં ક્રિકેટ ચાહકની નજર કોઈ મેચ પર હશે તો એ મેચ ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં થનારી મેચ છે. વન-ડે ફોર્મેટના વર્લ્ડ કપમાં આજ સુધી પાકિસ્તાન ભારતને હરાવી નથી શક્યું પરંતુ આ ફોર્મેટમાં પાકિસ્તાને ઘણી વખત ભારતને હરાવ્યું છે. પાકિસ્તાનને કોઈની બીક હોય તો તે છે વિરાટ કોહલીની પરંતુ પાકિસ્તાનના કપ્તાન બાબર આઝમ કહે છે કે તેમની પાસે વિરાટને રોકવાની યોજના તૈયાર છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં બાબર આઝમને જ્યારે ઉપરોક્ત મેચ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે આમ તો અમે કોઈ ટીમના ખાસ પ્લેયર માટે યોજના બનાવતા નથી પરંતુ વિરાટ કોહલી માટે અમે જરૂર યોજના બનાવી છે. બાબર આઝમે આગળ કહ્યું હતું કે અમે આ  યોજના બનાવવતી વખતે એકબીજા સાથે ખૂબ ચર્ચા કરી છે.

9મી જુને T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. ગત વર્લ્ડ કપમાં આ બંને ટીમો મેલબર્નના ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલેકે MCG પર ટકરાયા હતા. આ મેચ હંમેશ માટે યાદગાર એટલે બની હતી કારણકે વિરાટ કોહલીએ બાબર આઝમ અને તેની ટીમના મોં માં આવેલો કોળિયો છેલ્લી ઘડીએ ઝૂંટવી લઈને ટીમ ઈન્ડિયાને એક ઐતિહાસિક જીત અપાવી હતી.

સ્વાભાવિક છે કે બાબર અને તેના સાથીદારો એ હારને હજી સુધી ભૂલ્યા ન હોય અને એટલા માટે જ તેમણે વિરાટને કેમ આઉટ કરવો તે અંગે ગંભીર વિચારણા કરી હોય. જો કે આ વિચારણા ટીમના નવનિયુક્ત કોચ ગેરી કર્સ્ટન સાથે કરવામાં આવી છે કે કેમ એ એક પ્રશ્નાર્થ છે.

કારણકે પાકિસ્તાનની ટીમ હાલમાં આયરલેન્ડની સફરે છે જ્યાં તેઓ હોમ ટીમ સામે એક T20ની સિરીઝ રમશે. બીજી તરફ ગેરી કર્સ્ટન હજી પણ IPLની ટીમ ગુજરાત ટાઈટન્સના બેટિંગ કોચ છે. હજી ગઈકાલે જ સમાચાર આવ્યા હતા કે કર્સ્ટન ભારતમાં બેઠાંબેઠાં  જ પાકિસ્તાની ટીમને વિડીયો કોલ દ્વારા કોચિંગ આપી રહ્યા છે. આવામાં શું કર્સ્ટન, બાબર અને અન્ય ટીમ મેનેજમેન્ટ દ્વારા વિરાટને કેમ આઉટ કરવો એ અંગે ખાસ ચર્ચા કરી હશે ખરી?

આ વખતનો T20 World Cup વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા સંયુકતપણે  યોજી રહ્યા છે અને તેમાં 20 ટીમો ભાગ લેવાની છે.

Back to top button