ભારતમાં T20 વર્લ્ડ કપ નહી રમે બાંગ્લાદેશ, શું પાકિસ્તાન પણ કરશે બોયકોટ?

- બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે અને તેના સ્થાને એક નવી ટીમને એન્ટ્રી મળશે. તે સ્કોટલેન્ડ હોઈ શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આવતા મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતમાં મેચ નહીં રમવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે અને તેના સ્થાને એક નવી ટીમને એન્ટ્રી મળશે. તે સ્કોટલેન્ડ હોઈ શકે છે. ICC તરફથી તેની જાહેરાત હવે માત્ર એક ઔપચારિકતા છે. જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હજુ પણ ICC તરફથી છૂટની આશા રાખી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાની મીડિયા અહેવાલો સૂચવે છે કે પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરી શકે છે.
બીસીબીના વડાએ ઢાકામાં આ જાહેરાત કરી
ઢાકામાં પત્રકારો સાથે વાત કરતા બીસીબીના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલે પુષ્ટિ આપી કે બાંગ્લાદેશ ટી20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરશે નહીં અને ઉમેર્યું કે બોર્ડ છેલ્લા પ્રયાસ તરીકે આઈસીસી સાથે આ બાબતે ફરીથી વાટાઘાટો કરશે.
ઈસ્લામે કહ્યું કે બોર્ડ ICC ને તેની મેચ શ્રીલંકામાં ખસેડવા માટે મનાવવાનો છેલ્લો પ્રયાસ કરશે. દરમિયાન ICC એ બુધવારે સ્પષ્ટ કર્યું કે મેચો ખસેડવામાં આવશે નહીં. જો બાંગ્લાદેશ પોતાની વર્લ્ડ કપ મેચ રમવા માટે ભારત નહીં જાય, તો બીજી ટીમને ટુર્નામેન્ટમાં સ્થાન આપવામાં આવશે.
અમે વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ પણ ભારતમાં નહીં: બીસીબી
ઈસ્લામે ગુરુવારે ઢાકામાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે બધા વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ. ભારતમાં અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે સુરક્ષા એક મુદ્દો રહેલો છે. તેની શરૂઆત તેમના એક ખેલાડીને બાકાત રાખવાથી થઈ હતી. ICC ભલે કહે કે કોઈ સુરક્ષા ચિંતા નથી, પરંતુ અમારા ખેલાડીને તેમની ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. તે દેશ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યો છે. ત્યારથી શું બદલાયું છે? જો મુસ્તફિઝુરને સુરક્ષા પૂરી પાડી શકાતી નથી, તો આપણે કેવી રીતે વિશ્વાસ રાખી શકીએ કે ICC અમને સુરક્ષા પૂરી પાડશે? અમે વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ, પરંતુ ભારતમાં નહીં.
આ પણ વાંચોઃ બેંગલુરુ એરપોર્ટ પર એક વિદેશી મહિલાની છેડતી, પુરુષોના શૌચાલયમાં લઈ જવામાં આવી, CCTVમાં શું દેખાયુ?












