ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

થાઈલેન્ડમાં ભયાનક અકસ્માત, રેલવે ક્રોસિંગ પર માલગાડીએ બસને મારી ટક્કર; 8નાં મોત, 20થી વધુ ઘાયલ

Thailand bus accident: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આજે (શનિવારે) એક ભયાનક અકસ્માત સર્જાયો. બેંગકોકમાં રેલવે ક્રોસિંગ પાસે માલગાડીએ જાહેર બસને ટક્કર મારતા ઓછામાં ઓછા 8 લોકોના મોત નીપજ્યા હતા. થાઈ મીડિયા અહેવાલો અનુસાર, આ અકસ્માત બપોર બાદ મધ્ય વિસ્તારમાં આવેલા એરપોર્ટ રેલ લિંક સ્ટેશન નજીક થયો હતો.

રેલવે ક્રોસિંગ પર ફસાઈ ગયેલી બસને માલગાડીએ ટક્કર મારી

શહેરની ઇમરજન્સી સેવાઓ સંભાળતા એરાવન મેડિકલ સેન્ટરે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેલવે ક્રોસિંગ પર વાહનોની લાંબી કતાર હતી, ત્યારે અચાનક માલગાડીએ સામે ઉભેલી નારંગી રંગની બસને જોરદાર ટક્કર મારી હતી.

માલગાડી સાથે અનેક વાહનો પણ ઘસડાતા ગયા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટક્કર એટલી ભયાનક હતી કે બસમાં આગ લાગ્યા પહેલાં જ અનેક વાહનો પણ પાટા પર ઘસડાતા ગયા હતા. અકસ્માત બાદ ઘણી મોટરસાયકલો અને તેના પર સવાર લોકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. બાદમાં આગ કાબુમાં આવ્યા પછી બચાવ કાર્યકરોનું એક જૂથ બળી ગયેલી બસમાં પ્રવેશતું જોવા મળ્યું હતું.

રાહત અને બચાવ કામગીરી ચાલુ છે

અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત અત્યંત ભયાનક હતો અને માલગાડીની ટક્કર બાદ બસમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.

આ પણ વાંચો: “આ આપત્તિઓનો દશકો છે, સ્થિતિ નહીં સુધરે તો આવનારા દાયકાઓ સુધી પડશે ભારે અસર’ – નેધરલેન્ડ્સમાં PM મોદીનું નિવેદન

Back to top button