બનાસકાંઠા: શિરવાડા ગામનો તલાટી ACBના ચૂંગલમાં; ₹50 હજારમાં તો ઇજ્જત ને…
- રસ્તા ના કામનું બિલ મંજૂર કરવા કોન્ટ્રાક્ટર પાસે માંગી લાંચ.
- ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ લેતા જડ્પાયા.
પંકજ સોનેજી, પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં કેટલાક સરકારી બાબુઓ હવે બેફામ બનીને લાંચ માંગી રહ્યા છે. લાંચ વગર કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી. ત્યારે કાંકરેજ તાલુકાના શિરવાડા ગામ પંચાયતના તલાટી ₹50,000 ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા છે. એસીબીએ આ તલાટીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ લાંચ કેસની સમગ્ર હકીકત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિરવાડા ગ્રામ પંચાયતમાં વર્ગ-૩ના કર્મચારી ભાવેશકુમાર દલસુખભાઈ પ્રજાપતિ તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. ત્યારે શિરવાડા ગામમાં સરકારી યોજના હેઠળ થયેલા વિકાસમાં કામમાં માર્ગનું કામ કરનારા કોન્ટ્રાક્ટર પાસે આ તલાટીએ લાંચ માંગી હતી. કામ પૂરું કરનારા કોન્ટ્રાક્ટરે માર્ગના કામનું બિલ ગ્રામ પંચાયતમાં મંજૂરી માટે મૂક્યું હતું. ત્યારે તલાટી ભાવેશ પ્રજાપતિએ બિલના પેમેન્ટના ચેકની પ્રક્રિયા ઝડપથી કરવા માટે કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 50 હજારની લાંચની માગણી કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી તેમણે એસીબી નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીએ તલાટીને લાંચ લેતાં જડ્પયો:
ફરિયાદના આધારે એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ પાલનપુર કચેરીના પોલીસ ઇન્સ્પેકટર એન. એ. ચૌધરીએ શિરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં જ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન તલાટી ભાવેશ પ્રજાપતિ રૂપિયા 50 હજારની લાંચ લેતા જ એસીબી ત્રાટકી હતી, અને આ તલાટીને રંગે હાથ લાંચના રૂપિયા 50,000 સ્વીકારતા ઝડપી લીધા હતા. જેથી એસીબીના અધિકારીઓએ તલાટી વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ કાર્યવાહી કરીને તલાટીની અટકાયત કરી હતી. જ્યારે આગામી દિવસોમાં એસીબી દ્વારા તલાટીના ઘરની પણ તલાસી લેવાઈ શકે છે. લાંચની આ ઘટના ના પગલે સરકારી બાબુઓમાં ફફડાટ પ્રસર્યો છે.
આ પણ વાંચો: સુરતમાં યુવકે સ્કૂલ બસ આગળ પડતું મૂકી કર્યો આપઘાત, જુઓ કંપારી છોડાવી દેનારી ઘટનાના લાઇવ CCTV ફૂટેજ