બનાસકાંઠા: દિયોદર ખેડૂતોની ન્યાયયાત્રાને રોકવા અધિકારીઓને કામે લગાડ્યા
- પહેલાં ખેડૂતોને રોકવા કલમ 144 લાગુ કરાઈ, તેમ છતાં ખેડૂતો ન રોકાયા તો અધિકારીઓને કામે લગાડ્યા.
- 144ની કલમ લગાવતાં ખેડૂતો ચાર-ચારની સંખ્યામાં આગળ વધ્યા.
- દિયોદરથી નીકળેલી ન્યાય યાત્રાને રોકવા કાંકરેજના ઉંબરી પાસે બેરીકેટ મૂકી પોલીસે અટકાવી, તેમ છતાં ખેડૂતો લડી લેવાના મુડમાં.
HD ન્યૂઝ ડેસ્ક: દિયોદરથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રા આજે સવારે કાંકરેજના ઉંબરી પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા ખેડૂતોની ન્યાય રેલીને રોકવા માટે બેરીકેટ લગાવ્યા હતા. ત્યારબાદ બનાસ નદી નજીક ડીસા ડેપ્યુટી કલેકટર નેહાબેન પંચાલ તથા દિયોદર પ્રાંત અધિકારી સરવૈયા સહિતે ખેડૂત આક્રોશ રેલીને રોકવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
કેમ ખેડૂતો પગપાળા ગાંધીનગર જવા મજબુર બન્યા છે?
થોડા દિવસ અગાઉ દિયોદરમાં અટલ ભુજલ યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેટલાક સરકારી અધિકારીઓ અને દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ હાજર હતા. તે દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા જતા ધારાસભ્યના સમર્થક દ્વારા ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીને જાહેરમાં લાફો મારવામાં આવ્યો હતો. આ બનાવને લઈને દિયોદર પ્રાંત કચેરીમાં ધરણાં યોજી આવેદનપત્ર આપ્યા પછી ધારાસભ્ય રાજીનામું આપે તેવી માંગ સાથે સણાદરથી ગુરુવારે ગાંધીનગર જવા પગપાળા ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.
યાત્રા રોકવા અધિકારીઓ કામે લાગ્યા:
જ્યાં શુક્રવારે કાંકરેજના ઉંબરી પહોંચેલી ખેડૂત યાત્રાને બનાસ નદી નજીક ડીસા ડેપ્યુટી કલેકટર નેહાબેન પંચાલ, દિયોદર પ્રાંત અધિકારી સરવૈયા, શિહોરી મામલતદાર બી. જે. દરજી, દિયોદર ડીવાયએસપી ડી.ટી. ગોહિલ, શિહોરી પીએસઆઇ બી. એલ. રાયજાદા અને શિહોરી પોલીસ સ્ટાફ દ્વારા બેરિટોક મૂકી રોકી હતી. અને બનાસ નદીમાં ન ઉતરવાની 144ની કલમ હોવાનું કહ્યું હતું. જોકે, ખેડૂતોએ જુગાડ ખેલી ચાર ચારની સંખ્યામાં આગળ વધ્યા હતા. તંત્ર દ્વારા ખેડૂતો સાથેની વાટાઘાટો પડી ભાંગી હતી. જ્યાંથી ખેડૂતોએ પાટણ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો.
પગપાળા ન્યાય યાત્રામાં અનેક ગામોના ખેડૂતો મદદે:
દિયોદરથી ગાંધીનગર સુધી પગપાળા ન્યાય યાત્રાનો ગુરુવારે પ્રારંભ થયો હતો. જેમાં રૈયા, નાનોટા, ખોડા જેવા અનેક ગામોમાં ન્યાયયાત્રાનું સ્વાગત કરાયું હતું. યાત્રામાં જોડાયેલા ખેડૂતે જણાવ્યું હતું કે, રસ્તામાં આવતા ગામોમાં દાતાઓ દ્વારા અમારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. સવારે ચા નાસ્તો પણ તેમના દ્વારા જ અપાય છે. રાત્રે રોકાણા ગામમાં આવેલી વાડીઓમાં કરીએ છીએ. પદયાત્રાની સાથે રાખેલા ટ્રેક્ટરમાં 200થી વધુ ગાદલા તેમજ જરુર પડે તેવો સામાન લીધો છે.
આ પણ વાંચો: સાહેબની ખુરશી બચાવવા દિયોદરમાં કલમ 144 લાગુ?