બનાસકાંઠા: ડીસાના સમશેરપુરા ગામે જૂની અદાવતે માતા પુત્ર પર હુમલો
પાલનપુર: ડીસા તાલુકાના સમશેરપુરા ગામે જૂની અદાવત મામલે પિતા-પુત્રએ માતા-પુત્ર સહિત ત્રણ લોકો પર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
બે વ્યક્તિ સામે ડીસા તાલુકા પોલીસ અધિકારી ફરિયાદ નોંધાઇ
ડીસા તાલુકાના સમશેરપુરા ગામે રહેતા ગૌતમભાઈ પરમાર હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ આજે સવારે ઘરેથી હીરા ઘસવા માટે નીકળ્યા હતા અને ગામમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ગામમાં રહેતા કમલેશ પરમાર અને તેના પિતા બાબુ પરમાર ટ્રેક્ટર લઈને નીકળી રહ્યા હતા. આ બંને પિતા પુત્રએ અગાઉ થયેલ ઝઘડા બાબતે મનદુઃખ રાખી ગૌતમભાઈને જેમ તેમ ગાળો બોલવા લાગ્યા હતા તે સમયે ગૌતમભાઈએ પિતા પુત્રને ગાળો બોલવાનીના પાડતા ઉશ્કેરાઇ ગયેલા બંને પિતા પુત્રએ લાકડી વડે ગૌતમભાઈ પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ગૌતમભાઈની માતા દોડી આવી છોડાવવાનો પ્રયાસ કરતા પિતા પુત્રએ તેમની માતા પર પણ હુમલો કર્યો હતો.
બનાવને પગલે ગૌતમભાઈના સંબંધી વીરમાભાઇ છોડાવવા વચ્ચે પડતા બંને પિતા પુત્રએ તેમના પર પણ હુમલો કરી ગડદા પાટુનો માર માર્યો હતો. ઘટનાની પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ જતા હુમલો કરનાર પિતા પુત્ર ત્યાંથી નાસી ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત માતા પુત્ર સહિત ત્રણ લોકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ગૌતમભાઈની માતાએ હુમલો કરનાર પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસાની બનાસ નદી પાસે બંધ મકાનમાંથી યુવકની લટકતી લાશ મળી