બનાસકાંઠા : ડીસાના ધારાસભ્ય જન્મદિવસને ‘ ગ્રીન દિવસ ‘ તરીકે ઉજવશે
- મુલાકાતીઓને ભેટ સ્વરૂપે છોડ આપવામાં આવશે
- અલગ અલગ જગ્યાએ 15000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન
બનાસકાંઠા 7 જુલાઈ 2024 : આ વર્ષે લોકોએ રેકોર્ડ બ્રેક ગરમી અનુભવી હતી ત્યારે નાગરિકોને પણ વૃક્ષનું જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાઈ ગયું છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પણ ‘એક વૃક્ષ મા કે નામ ‘અભિયાન શરૂ કરાવ્યું છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ ભાઈ માળી એ તા. 8 જુલાઇ ‘૨૪નો પોતાનો જન્મદિવસ કંઈક વિશેષ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. અલગ વિચારીને કંઈક અલગ કામો થકી સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે તેઓ પ્રવૃત્ત રહે છે. તેઓએ તેમના જન્મદિવસે ડીસા સર્કિટ હાઉસ ખાતે બપોરે 12-00 થી 2-00 ના સમય દરમિયાન પ્રજાજનોને મળવા માટે શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું છે. જેમાં મુલાકાતે આવનાર પ્રત્યેક મુલાકાતી ને ભેટ સ્વરૂપે એક વૃક્ષ અર્પણ કરીને વૃક્ષારોપણ માટે પ્રેરિત કરાશે.
આ દિવસને વિશેષ બનાવવા માટે અલગ – અલગ જગ્યાઓમાં 15000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માલગઢ આદર્શ હાઇસ્કુલ પાસે દલિત સમાજની દીકરીઓના હસ્તે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. એજ રીતે ડીસા શહેરના બ્રિજ નીચેના સ્થળે 4000 વૃક્ષો સહિત નાનાજી દેશમુખ બાગમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવશે. જ્યારે શહેરીજનોને પણ વૃક્ષોનું વિતરણ કરવા માટે આયોજન કરાયું છે. જેમાં સરદાર બાગ આગળ, બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર, બ્રિજ નીચે તેમજ માર્કેટ યાર્ડમાં નિ:શુલ્ક મોટા રોપાઓનું વિતરણ કરવામાં આવશે. દરેક નાગરિક વૃક્ષો ના રોપાઓ લઈને ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરશે તો પ્રકૃતિ ની મોટી સેવા થઈ શકશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : રોટરી ક્લબ ડિવાઈનનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો