બૈન કેપિટલ મણ્ણાપુરમ ફાઇનાન્સમાં રૂ.4385 કરોડ રોકીને 18% હિસ્સો લેશે

મુંબઇ, 20 માર્ચઃ અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી (PE) કંપની બૈન કેપિટલે ભારતની બીજી સૌથી મોટી ગોલ્ડ ફાઇનાન્સ કંપની મણ્ણાપુરમ ફાઇનાન્સમાં 18% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ સોદો રૂ. 4,385 કરોડમાં થશે. બૈન કેપિટલ અને મણ્ણાપુરમ ફાઇનાન્સે ગુરુવારે આ સોદાની જાહેરાત કરી હતી.
બૈન કેપિટલ મણ્ણાપુરમ ફાઇનાન્સમાં પ્રતિ શેર રૂ. 236ના દરે રોકાણ કરશે, જે છેલ્લા છ મહિનાના સરેરાશ ટ્રેડિંગ ભાવ કરતાં 30% વધુ છે. આ રોકાણ કંપનીના શેર અને વોરંટ દ્વારા કરવામાં આવશે. આ પછી, બૈન કેપિટલને કંપનીમાં સંયુક્ત અંકુશ પ્રાપ્ત થશે. આ સોદાને કારણે કંપનીના શેરધારકોને વધારાનો 26% હિસ્સો ખરીદવાની ઓપન ઓફર પણ કરવામાં આવશે.
સોદા પછી પ્રમોટર પરિવારનો હિસ્સો 28.9% થશે
આ રોકાણ પછી, મણ્ણાપુરમ ફાઇનાન્સના પ્રમોટર વી.પી. નંદકુમાર અને તેમનો પરિવાર કંપનીમાં 28.9% હિસ્સો ધરાવશે. જો ઓપન ઓફરમાં વધુ હિસ્સો ખરીદવામાં આવે તો, બૈન કેપિટલનો હિસ્સો 18%થી વધીને 41.7% થઈ શકે છે.
બૈન કેપિટલનું કહેવું છે કે આ ભાગીદારી ભારતમાં નાણાકીય સેવાઓને મજબૂત કરવા અને વધુને વધુ લોકોને ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી છે. બૈન કેપિટલના ભાગીદાર પવનીન્દર સિંઘએ જણાવ્યું હતું કે, “અમે ભારતના નાણાકીય ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ અને આ સોદો સમગ્ર દેશમાં ઉદ્યોગસાહસિકતા અને સંપત્તિ સર્જનને વેગ આપશે.”
મણ્ણાપુરમ ફાઇનાન્સના એમડીનું નિવેદન
મણ્ણાપુરમ ફાઇનાન્સના એમડી અને સીઇઓ વી.પી. નંદકુમારે જણાવ્યું હતું કે, “અમે અમારી વૃદ્ધિના આગલા તબક્કામાં બૈન કેપિટલને અમારા ભાગીદાર તરીકે રાખવા માટે ઉત્સાહિત છીએ. બૈન કેપિટલની ટીમ ઉત્તમ નેતૃત્વ ધરાવે છે અને વૃદ્ધિ પર તેમનું ધ્યાન અમારા માટે નવી તકો લાવશે.”
નોંધનીય છે કે મણ્ણાપુરમ ફાઇનાન્સ અને બૈન કેપિટલ વચ્ચે નવેમ્બર 2024માં વાતચીત શરૂ થઈ હતી. મણ્ણાપુરમ ફાઇનાન્સની સ્થાપના 1949માં થઈ હતી અને આજે કંપની પાસે 5,357 શાખાઓ અને લગભગ 50,795 કર્મચારીઓનું નેટવર્ક છે, જે 6.59 મિલિયન ગ્રાહકોને સેવા આપે છે.
સલાહકાર ટીમ
કોટક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ ઇન્ડિયા, સિરિલ અમરચંદ મંગલદાસ, અર્ન્સ્ટ એન્ડ યંગ એલએલપી, કિર્કલેન્ડ એન્ડ એલિસ અને યુનાપ્રાઇમ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ દ્વારા બૈન કેપિટલને આ સોદામાં સલાહ આપવામાં આવી હતી. જ્યારે, મણ્ણાપુરમ ફાઇનાન્સને સ્પાર્ક કેપિટલ અને ખેતાન એન્ડ કંપની દ્વારા સલાહ આપવામાં આવી હતી.
બૈન કેપિટલએ અગાઉ ભારતમાં અને વૈશ્વિક સ્તરે એક્સિસ બેંક, એલ એન્ડ ટી ફાઇનાન્સ અને 360 વન વેલ્થ જેવી કેટલીક નાણાકીય કંપનીઓમાં રોકાણ કર્યું છે. બૈન કેપિટલના ભાગીદાર ઋષિ મંડાવતે જણાવ્યું હતું કે, “મણ્ણાપુરમ ફાઇનાન્સ પાસે તેના મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધિને આગળ ધપાવવાની વિશાળ તક છે. અમે કંપનીને તેના વ્યાવસાયિકીકરણ અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરવા માટે તેની સાથે કામ કરીશું.”
આ પણ વાંચોઃ હિન્દાલ્કો મેટલ બિઝનેસમાં 5.2 અબજ ડોલર રોકશે